Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

લોકસભા પછી શું રાજયસભામાં વિપક્ષના નેતાનું પદ ગુમાવશે કોંગ્રેસ ?

વર્ષ ૨૦૨૨માં અલગ-અલગ સમયે રાજયસભાની લગભગ ૭૫ બેઠકો પર ચૂંટણી થવાની છેઃ જેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાનું છે

નવદિલ્‍હી,તા. ૨૨: પીએમ  મોદીના નેતૃત્‍વમાં બીજેપી ગઠબંધન છેલ્લી બે લોકસભાની ચૂંટણી પ્રચંડ બહુમતની સાથે જીત હાંસલ કરીને સત્તામાં વાપસી કરી છે. જેના કારણે વિપક્ષની સામે અસ્‍તિત્‍વનં સંકટ ઉભું થયું છે. લોકસભામાં કોંગ્રેસ પાસે એટલી સંખ્‍યા પણ નથી કે તે વિપક્ષના નેતાનું પદ રાખી શકે. જયારે હાલમાં જ પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગવાનો છે. વર્ષ ૨૦૨૨માં અલગ-અલગ સમયે રાજયસભાની લગભગ ૭૫ બેઠકો પર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાનું છે. એવામાં સવાલ થઈ રહ્યો છે કે શું લોકસભા પછી રાજયસભામાં પણ કોંગ્રેસ નેતા વિપક્ષનું પદ ગુમાવી બેસશે?

સદનમાં સરકારની સામે અનેક વિપક્ષી પાર્ટીઓ હોય છે. પરંતુ સત્તાવાર રીતે તે પાર્ટીને વિપક્ષના નેતા બનવાની તક મળે છે જેની પાસે ઓછામાં ઓછા ૧૦ ટકા બેઠકો હાંસલ હોય. છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ પાસે એટલી સીટો આવી ન હતી કે તે સત્તાવાર રીતે વિપક્ષના નેતા પોતાને બનાવી શકે. આ વર્ષના અંત સુધી દેશની ૭૫ રાજયસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે. અને કોંગ્રેસ પાસે હાલમાં ૩૪ સાંસદ છે. રાજયસભામાં કોંગ્રેસના સભ્‍યોની સંખ્‍યા ઘટીને ૨૫ની નીચે આવી જશે તો વિપક્ષનું પદ પણ ગુમાવી દેશે.

ભારતીય બંધારણ પ્રમાણે રાજયસભામાં કુલ ૨૫૦ સભ્‍યો હોય છે. તેમાં ૨૩૮ સભ્‍યો માટે ચૂંટણી થાય છે. જયારે ૧૨ સભ્‍યોને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. રાજયસભાની ચૂંટણીમાં મતદાતા સીધા સાંસદોને પસંદ કરતા નથી. પરંતુ રાજયના ધારાસભ્‍યો રાજયસભાના સભ્‍યોની ચૂંટણી કરે છે. એવામાં પાંચ રાજયોની ચૂંટણીની અસર રાજયસભાની ચૂંટણી પર પડે તે સ્‍વાભાવિક છે.

દેશના પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ પછી હવે ૩૧ માર્ચે રાજયસભાની ૧૩ બેઠકો પર ૩૧ માર્ચે ચૂંટણી થવાની છે. આ ૧૩ બેઠકમાં ૫ બેઠક પંજાબની છે. જયારે બીજી ૮ બેઠકમાં અસમની બે, હિમાચલ પ્રદેશની એક, કેરળની ત્રણ, નાગાલેન્‍ડ અને ત્રિપુરાની એક-એક બેઠક છે. જેમનો કાર્યકાળ ૨ એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આ વર્ષના અંત સુધી ઉત્તર પ્રદેશને ૧૧, બિહારની ૫, રાજસ્‍થાનની ૩, મધ્‍ય પ્રદેશની ૩ અને ઉત્તરાખંડની ૧ સીટ પર રાજયસભાની ચૂંટણી થવાની છે. તે સિવાય ઓડિશા, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશની બેઠક પર રાજયસભાની ચૂંટણી થવાની છે.

કોંગ્રેસ પાંચ રાજયની વિધાનસભાની ચૂંટણીમાં મોટી આશા રાખીને બેઠું હતું. પરંતુ જયારે પરિણામો આવ્‍યા તો બધા અરમાનો પર પાણી ફરી વળ્‍યું. પંજાબમાં કુલ બેઠક ૧૧૭ વિધાનસભા, કોંગ્રેસને મળી માત્ર ૧૮ બેઠક. જયારે આમ આદમી પાર્ટીને ૯૨ બેઠક મળી છે. એવામાં પંજાબની પાંચ રાજયસભા સીટો પર તેની અસર પડવાની છે. આમ આદમી પાર્ટીના ખાતામાં તમામ પાંચ રાજયસભાની બેઠક જવાની છે.

આમ આદમી પાર્ટીએ પાંચેય સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. જયારે વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર નથી. એવામાં પાંચ બેઠક આમ આદમી પાર્ટીને મળશે તે નક્કી છે. આ રીતે  આમ આદમી પાર્ટીના રાજયસભામાં સાંસદોની સંખ્‍યા ૩દ્મક વધીને ૮ સુધી પહોંચી જશે. જયારે કોંગ્રેસને કેરળમાંથી એક અને અસમમાં પણ એક સીટ મળવાનું અનુમાન છે. ચૂંટણી પરિણામો પછી બીજેપીના રાજયસભામાં સભ્‍યોની સંખ્‍યા ૧૦૦ થઈ જશે. એનડીએ પહેલીવાર બહુમતનો આંકડો પાર કરી લેશે. બીજેપીના અત્‍યારે ૯૭ સાંસદો છે. આ વર્ષના અંત સુધી વધીને તે ૧૦૪ થઈ જશે. જયારે એનડીએ સાંસદોની સંખ્‍યા ૧૨૨ સુધી જઈ શકે છે.

પંજાબમાં રાજયસભામાંથી સેવાનિવૃત થનારા સભ્‍યોમાં કોંગ્રેસમાંથી પ્રતાપ સિંહ બાજવા અને શમશેર સિંહ ડુલો, અકાલી દળના સુખદેવ સિંહ ઢીંઢસા અને નરેશ ગુજરાલ અને ભાજપના એસ મલિક છે. આ બધા સભ્‍યોની વાપસી નહીં થઈ શકે. જયારે બે અન્‍ય સભ્‍ય અકાલી દળના બલવિંદર સિંહ ભુંડર અને કોંગ્રેસના અંબિકા સોનીનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થશે. આ બંને બેઠક આપના ખાતામાં જઈ શકે છે.

વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરાજય પછી સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. રાજયસભામાં હાલ કોંગ્રેસના ૩૪ સાંસદ છે. જે વર્ષના અંત સુધી ઘટીને માત્ર ૨૭ થઈ જશે. એવામાં કોંગ્રેસના કેટલાંક સભ્‍ય જો પાર્ટી છોડી દેશે તો આ આંકડો ૨૫ની નીચે જતો રહેશે. તો સત્તાવાર રીતે વિપક્ષની ખુરશી ગુમાવી દેશે. કોંગ્રેસને મધ્‍ય પ્રદેશથી લઈને યૂપી, ઉત્તરાખંડ, પંજાબ, કેરળમાં રાજયસભા ચૂંટણીમાં નુકસાન ઉઠાવવું પડશે જયારે તમિલનાડુમાં એક સીટનો લાભ થઈ શકે છે. (૨૨.૩૩)

(3:26 pm IST)