Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ઓશો સંબોધી દિવસ ઉપર સમાધિ પર પ્રવેશ નહિં મળતાં સન્‍યાસીઓનું વિરોધ પ્રદર્શન

ઓશો ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટીઓ ઉપર મનમાનીનો આક્ષેપ

રાજકોટ, તા. ૨૨ : ગઈકાલે તા. ૨૧ના ઓશોના સંબોધી દિવસે તેમના સન્‍યાસીઓને સમાધી ઉપર પ્રવેશ નહિં મળતાં નારાજગી પ્રવર્તી રહી છે. ઓશો અનુયાયીઓ માટે સંબોધી દિવસ ખાસ હોય છે. આ દિવસે ઓશો સન્‍યાસીઓ તેમની સમાધી ઉપર મૌન ધ્‍યાન કરવા એકત્ર થાય છે અને સામુહિક ધ્‍યાન કરે છે.

કમનસીબે આ દિવસે ઓશો ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટીઓ અને પ્રબંધકોએ સન્‍યાસીઓને કોઈ કારણ આપ્‍યા વગર સમાધી ઉપર પ્રવેશ આપ્‍યો ન હતો. આ માટે ઓશોની માળા પહેરવાનું કારણ ફાઉન્‍ડેશન દ્વારા દર્શાવાયુ હતું. માળા પહેરવાવાળા સન્‍યાસીઓને સમાધિ પર પ્રવેશ નથી અપાતો. આ ફાઉન્‍ડેશન એવા શિષ્‍યોની પણ નિંદા કરે છે, જેઓ તેમને સવાલ પૂછે છે. કુપ્રબંધનના વિરોધમાં બોલતા અને વ્‍યકિતગત હિતો માટે ઓશોની સંપતિ વેચી રહેલા સામે લડત કરનાર સન્‍યાસીઓ ફાઉન્‍ડેશનને ખટકી રહ્યા છે.

પુનામાં ઓઆઈએફ મેનેજમેન્‍ટ ટીમ એવા ટ્રસ્‍ટીઓ માટે જવાબદાર છે જેઓ વિદેશી છે અને ભારતની બહાર રહે છે, ભારતીય શિષ્‍યો ઉપર પ્રતિબંધનો આદેશ આપે છે અને ટ્રસ્‍ટના ભંડોળ અને સંસાધનોના ગેરઉપયોગ માટે જવાબદાર છે.

સોમવારે સવારે ૯ થી સાંજે ૯ વાગ્‍યા સુધી ભારત રત્‍ન મૌલાના અબ્‍દુલ કલામ સ્‍મારક કોરેગાંવ પાર્કમાં ઓશોના સન્‍યાસીઓએ ધ્‍યાન કિર્તન અને વૈચારીક બેઠક અને પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કર્યુ હતું. આ વખતે કમલેશ પાંડે, સ્‍વામી નિરંજન (જર્મની), સ્‍વામી અનુગ્રહ, સ્‍વામી પ્રેમગીત, સુનિલ મીરપુરી, વંદના જાદવ (નાગપુર), સ્‍વામી પ્રંતગીરી (બેંગ્‍લોર), સ્‍વામી મોક્ષા (અમદાવાદ) વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સ્‍વામી ગોપાલ ભારતીએ કર્યુ હતું. 

(3:02 pm IST)