Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

પાકિસ્તાનમાં અપહરણનો પ્રયાસ નિષ્ફળ જતા ભરબજારે ૧૮ વર્ષીય હિંદુ યુવતીની ગોળી મારી હત્યા


નવી દિલ્હી, તા.૨૨: પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ અપરાધના કિસ્સાઓ અટકી રહ્યા નથી. તાજેતરનો કેસ સિંધ પ્રાંતનો છે. અહીં એક હિન્દુ યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક બદમાશ બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમાં નિષ્ફળ જતાં બદમાશએ તેની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
મૃતકની ઓળખ ૧૮ વર્ષની પૂજા ઓડ તરીકે થઈ છે. 'ધ ફ્રાઈડે ટાઈમ્સ' અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, આ ઘટના સુક્કુરના રોહી વિસ્તારની છે. નિર્ભય બદમાશોએ ચોકડીની વચ્ચે પૂજાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે પૂજાએ પ્રતિકાર કર્યો ત્યારે આરોપી તેણીને ગોળી મારીને ભાગી ગયો હતો. પાકિસ્તાનમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. માનવાધિકાર કાર્યકરોએ અહેવાલ આપ્યો છે કે દર વર્ષે સેંકડો ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. તેમનું કહેવું છે કે દેશના લઘુમતી સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનના મુદ્દાનો સામનો કરી રહ્યા છે.

 

(2:58 pm IST)