Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

રશિયા પ્રત્યે ભારતના વલણને લઇને બાયડેને વ્યકત કરી નારાજગી

ઘણા દેશોએ રશિયા વિરૂદ્ધ પગલા લીધા છે : યૂક્રેન પર હુમલો કરવા બદલ રશિયાને સજા આપવા માટે પશ્ચિમી દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ ભારત આ મામલે કંઇક અંશે અસ્થિર છે

નવી દિલ્હી,તા.૨૨: યુક્રેન છેલ્લા ૨૭ દિવસથી રશિયન મિસાઈલ હુમલા અને બોમ્બ ધડાકાનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને રશિયા અંગે ભારતના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. બાયડેને કહ્યું કે ભારત અમેરિકાના મોટા સાથી દેશોમાં એક અપવાદ છે. યૂક્રેન પર હુમલો કરવા બદલ રશિયાને સજા આપવા માટે પશ્ચિમી દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ ભારત આ મામલે કંઈક અંશે અસ્થિર છે. જો બાયડેને કહ્યું કે જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં વ્લાદિમીર પુતિનના આક્રમક વલણ સામે ખૂબ જ કડક છે. ભારત આમાં અપવાદ છે, જેનું આ મામલે વલણ થોડું ઢીલું રહ્યું છે. અમેરિકાના વ્યાપારી નેતાઓની બેઠકને સંબોધતા બાયડેને કહ્યું કે રશિયા સામે ભારતનું વલણ ડગમગી રહ્યું છે.  નાટો આજના જેટલું શક્તિશાળી અને સંયુક્ત ક્યારેય નહોતું. તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઘણા કડક પગલાં લીધા છે અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. તમામ મોટી કંપનીઓએ રશિયામાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. યુએનમાં પણ આ દેશોએ રશિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની વિરૂદ્ધ મતદાન પણ કર્યું હતું, પરંતુ ભારતે આ મામલે તટસ્થતાની નીતિ અપનાવી છે. જો બાયડેને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે એકતા દર્શાવવા બદલ નાટો દેશો, યુરોપિયન યુનિયન અને અમેરિકન સહયોગીઓની પ્રશંસા કરી હતી. પરંતુ જે રીતે ભારત, ક્વાડ સભ્યોમાંથી એક છે, તેણે રશિયા સાથે તેલ ખરીદવાનો નિર્ણય લીધો અને યુએનમાં રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી પોતાને દૂર કર્યા, જેને લઇને બાયડેને ભારત પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને વ્લાદિમીર પુતિનને યુદ્ધ ગુનેગાર કહ્યા હતા. બાયડેનના નિવેદનથી રશિયા ગુસ્સે છે. બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. રશિયાએ સોમવારે અમેરિકી રાજદૂત જોન સુલિવાનને બોલાવીને આ મામલે વિરોધ દર્શાવ્યો હતો. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું, અમેરિકન રાષ્ટ્રપતિના આવા નિવેદનથી રશિયન-અમેરિકન સંબંધો તિરાડના આરે આવી ગયા છે.

 

(2:55 pm IST)