Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

બંગાળમાં TMCના નેતાની હત્યા બાદ હિંસા - આગજની : ૧૦ના મોત

સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ : સમર્થકોએ ઘરોને સળગાવ્યા : પોલીસબળ તૈનાત

કોલકત્તા તા. ૨૨ : પશ્ચિમ બંગાળના બીરભૂમના રામપુરહાટમાં TMC નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. અહીં ટોળાએ ૧૦-૧૨ ઘરોના દરવાજા બંધ કરી દીધા અને આગ લગાવી દીધી. આગમાં ૧૦ લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રામપુરહાટના બરશાલ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. એટલું જ નહીં ડીએમ સહિત બીરભૂમના તમામ મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.તણાવને જોતા વિસ્તારમાં મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ ઓફિસર, બીરભૂમએ જણાવ્યું કે ઘટના ગઈ રાતની છે, ત્યાં ૧૦-૧૨ ઘર હતા, જે બળીને ખાખ થઈ ગયા છે, કુલ ૧૦ લોકોના મોત થયા છે જેમના મૃતદેહ મળી આવ્યા છે. એક જ ઘરમાંથી ૭ લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ રાજકીય અદાવતનો મામલો છે. નોંધનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના કબજા હેઠળની બારશાલ ગ્રામ પંચાયતના નાયબ પ્રમુખ ભાદુ શેખની સોમવારે સાંજે હત્યા કરવામાં આવી હતી. તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ભાદુ શેઠના મૃત્યુના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. હત્યાથી ગુસ્સે ભરાયેલા, તેના સમર્થકોએ ટૂંક સમયમાં હુમલાના શકમંદોના ઘરોને આગ લગાવી દીધી. પોલીસને ઘટનાસ્થળેથી અનેક મૃતદેહો મળી આવ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે ટીએમસીના એક જૂથના સભ્યો દ્વારા આગ લગાવવામાં આવી હતી. જો કે તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે. બીરભૂમ જિલ્લા ટીએમસી પ્રમુખ અનુબ્રત મંડલે દાવો કર્યો હતો કે હિંસા દરમિયાન આગ લગાડવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને તેના કારણે ઘરોમાં આગ લાગી હતી. TMC કાર્યકર્તાઓના ભાગ પરના હુમલાને નકારી કાઢતા, મંડલે કહ્યું, 'લોકોના ઘરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને તેના કારણે જ મોત થયા હતા.' સોમવારે રાત્રે કોઈ હિંસા થઈ ન હતી.

જો કે આ ઘટનાને પગલે ભારે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે. તણાવને જોતા વિસ્તારમાં મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

(2:45 pm IST)