Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

તેલીબીયાની ખેતી માટે ખેડૂતોને આર્થિક પ્રોત્સાહન આપવા તૈયારી

દેશમાં ટુંક સમયમાં આવશે તેલીબીયા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિ : ખાદ્ય તેલનું સંકટ થશે ખતમઃ વિદેશો પરની નિર્ભરતા ઓછી કરવા કવાયત

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં તેલીબીયા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ખાદ્ય તેલો માટે વિદેશો પરની નિર્ભરતા ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં નવી નીતિ બનાવવાની તૈયારીમાં છે. નવી નીતિ હેઠળ સરકાર સરસવ, સુરજમુખી, સહિતના અન્ય તેલીબીયાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ઇન્સેન્ટીવ એટલે કે આર્થિક પ્રોત્સાહન આપી શકે છે. સરકારની યોજના ખેડૂતોને તેલીબીયાની વધારે ખેતી કરવા માટે પ્રોત્સાહીત કરવાની છે જેથી દેશમાં તેલીબીયાની ખેતી વધે.

કૃષિમંત્રાલય બહુ જલ્દી એક કેબીનેટ નોટ તૈયાર કરશે જેમાં તેલીબીયા ઉત્પાદક ખેડૂતોને ઇન્સેન્ટીવ આપવાની સાથે તેમને ખાનગી તેલ પ્રોસેસીંગ એકમો સાથે જોડવા માટેની વિસ્તૃત નીતિનો ઉલ્લેખ હશે. ક્રુડ ઓઇલ અને કોલસા પછી ભારતનો સૌથી વધારે આયાત ખર્ચ ખાદ્ય તેલ પર થાય છે. ૨૦૨૧-૨૨માં દેશનું ખાદ્યતેલ આયાત બીલ વધીને ૧૭૦૦ કરોડ ડોલર થઇ ગયું છે.

સરકારની નીતિ હેઠળ સરસવની ખેતીને કર્ણાટક, મહારાષ્ટ્ર ઉપરાંત યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને ઓરિસ્સામાં પ્રોત્સાહન આપવામાં જયાં તેની ખેતી ઓછી થાય છે. સરસવની ખેતી રાજસ્થાનમાં સૌથી વધારે થાય છે. દેશમાં પોતાની જરૃરિયાતના ૪૫ ટકા તેલીબીયાનું ઉત્પાદન થાય છે. જેમાં સરસવની હિસ્સેદારી ૩૯ ટકા છે. કેન્દ્રનું લક્ષ્ય આગામી સીઝનમાં સરસવની ખેતી ૯૧ લાખ હેકટરથી વધારીને ૧.૨૨ લાખ હેકટરે પહોંચાડવાનું છે.

(12:36 pm IST)