Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

સલમાન ખાનને મળી રાહતઃ કાળિયાર શિકાર સાથે જોડાયેલા કેસની સુનાવણી હવે હાઈકોર્ટમાં થશે

રાજસ્થાન હાઈકોર્ટે ૨૧ માર્ચે સલમાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા તેને સ્વીકારી લીધી છે

મુંબઇ,તા. ૨૨: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને હરણ શિકાર કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે ૨૧ માર્ચે સલમાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા તેને સ્વીકારી લીધી છે. હાઈકોર્ટે નિર્ણય કર્યો કે હવે હાઈકોર્ટમાં તમામ કેસની સુનાવણી એકસાથે થશે. જેથી સલમાન ખાનને હવે વારંવાર કોર્ટમાં આવવું નહીં પડે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હરણ શિકાર કેસમાં જામીન પર બહાર છે. આ પહેલા સલમાન ખાનના વકીલે હરણ શિકાર કેસ સાથે સંબંધિત તમામ અપીલોને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી, જેના પર હાઈકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટમાં સરકારી એડવોકેટ વતી જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસેથી સમય માંગવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે સુનાવણી માટે ૨૧ માર્ચની તારીખ નક્કી કરી હતી.

મહત્વનું છે કે આ પહેલા સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ સલમાન સંબંધિત અપીલને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી સતત સ્થગિત કરવામાં આવી હતી. કાળિયાર શિકાર કેસમાં આરોપી સલમાન ખાનને ગૌણ અદાલતે ૫ વર્ષની સજા સંભળાવી છે અને ગેરકાયદેસર હથિયારના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

સલમાન ખાનના વકીલ હસ્તિમલ સારસ્વત અને રેખા સાંખલાએ સંબંધિત અપીલને સેશન્સ કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ જ સરકારી એડવોકેટ ગૌરવ સિંહે પોતાનો જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, જે કોર્ટે સ્વીકારી લીધો હતો અને સરકારી વકીલને પોતાનો જવાબ રજૂ કરવા માટે સમય આપ્યો હતો.

વર્ષ ૧૯૯૮માં જોધપુરમાં ફિલ્મ હમ સાથ-સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર જોધપુર શહેરની નજીક ત્રણ અલગ-અલગ જગ્યાએ કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામ બહારના વિસ્તારમાં ચિંકારાના શિકારના અલગ-અલગ કેસ પણ નોંધાયા હતા. આ ઉપરાંત ત્રીજા કેસમાં તેની સામે કાંકાણી ગામમાં બે કાળા હરણનો શિકાર કરવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. સલમાન વિરુદ્ઘ ચોથા કેસમાં ગેરકાયદેસર હથિયારોનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

(10:45 am IST)