Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

રશિયા અને યૂક્રેન વચ્ચેની તંગદિલીથી સ્ક્રેપના ભાવો વધતાં કોઇ લેવાલ નહીં

લોખંડ, સ્ટીલ સહિતની ધાતુના વાસણોના ભાવ ડબલ થઇ ગયા : માર્કેટમાં પેમેન્ટ સાઇકલ ૬૦ દિવસથી ઘટાડીને ૧૫ દિવસની થઇ ગઇ

નવી દિલ્હી તા. ૨૨ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘના લીધે સ્કેપના ભાવોમાં અસહ્ય વધારો થયો છે. જેના લીધે સ્ટીલ સહિતની તમામ ધાતુના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેની અસર લોખંડ સહિતની ધાતુના વાસણો પર પણ પડી રહી છે. સામાન્ય દિવસોમાં રૂ.૬૦ કિલો મળતુ લોંખડ અત્યારે રૂ.૮૫ કિલો વેચાણ થઈ રહ્યુ છે.

આ ઉપરાંત સ્ટીલ, પીતળ, કોપર અને એલ્યુમીનિયમના વાસણના ભાવ એક ડબલ થઈ ગયા છે. ખાસ કરીને સ્ક્રેપના ભાવમાં વધારો થયો હોવાથી તેની અસર વાસણના ભાવ પર પડી હોવાનો મત વેપારીઓ વ્યકત કરી રહ્યાં છે. વેપારીઓના જણાવ્યા મુજબ પહેલા સ્ક્રેપ ખરીદી કરવા માટે પડા પડી થતી હતી, પરંતુ અત્યારે અસહ્ય ભાવ વધારાને લીધે ખરીદી કરનાર કોઈ નથી.

સુરતમાં આવતા વાસણોમાંથી મુંબઈથી સ્ટીલના ડબ્બા, તપેલા, થાળી, વાટકા આવે છે. મદ્રાસથી જગ, બરણી, કીટલી, બાઉલ અને મુરદાબાદથી તાંબા, પીતળ અને ફેન્સી વાસણો આવે છે. લોકડાઉન સમયગાળામાં વાસણની મેન્યુફેકચરિંગ કંપનીઓ ઠપ્પ હતી. જેના કારણે કારીગરોએ અન્ય ધંધા શરૂ કરી દીધા હોવાથી કારીગરોની પણ અછત વર્તાઈ રહી છે. અમદાવાદ શહેરમાં ૮૫૦ જેટલી વાસણની દુકાનો હતી. મુશ્કેલીઓને કારણે શહેરના ૫૦ વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરી દેવામાં આવી છે. ભાવ વધારાને કારણે હાલ વાસણોનું વેચાણ હાલમાં માત્ર ૨૦ થી ૨૫ ટકા જેટલું જ છે. પહેલા પેમેન્ટ સાઈકલ ૬૦ દિવસની હતી. જે હવે માત્ર ૧૫ દિવસની થઈ ગઈ છે. જેથી વેપારીઓને કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ વધારે કરવું પડી રહ્યું છે.

(10:14 am IST)