Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ચીનમાં લોકડાઉન લંબાશે તો મોબાઇલ - ટીવી થશે મોંઘા

કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ કંપનીઓ ચીનમાંથી તૈયાર કાચો માલ આયાત કરે છે પરંતુ પુરવઠો ન મળવાને કારણે કંપનીઓની ઇન્વેન્ટરી ઘટી રહી છે : કંપનીઓ પાસે દોઢ મહિનાનો સ્ટોક છે

નવી દિલ્હી તા. ૨૨ : ચીનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ઘણા શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમાં ચીનનું ટેક હબ શેનઝેન પણ સામેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ચીનમાં લોકડાઉન લંબાય તો ભારતમાં ટેલિવિઝન, લેપટોપ અને સ્માર્ટફોનની કિંમતો વધી શકે છે.

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના સંશોધન નિયામક નવકાર સિંહ કહે છે કે ભારત ઈલેકટ્રોનિક ઘટકોના લગભગ ૨૦ થી ૫૦ ટકા પુરવઠા માટે ચીન પર નિર્ભર છે. શેંગેન શહેરનો આમાં મોટો હિસ્સો છે. તમામ બ્રાન્ડને ખાતરી છે કે જો ફરી એકવાર સપ્લાય પ્રભાવિત થાય અથવા કોઈ શકય રાહત ન મળે તો ભાવમાં વધારો થશે.

સૌથી મોટી વાત એ છે કે કંપનીઓ કાચા માલની વધતી કિંમતો સહન કરવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં, તેઓ ફકત ગ્રાહકો પર જ બોજ નાખશે. સિંઘનું કહેવું છે કે જો શેંગેન શહેરમાં ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમયનું લોકડાઉન રહેશે તો સ્માર્ટફોન શિપમેન્ટ પર તેની અસર જૂન કવાર્ટરના મધ્ય સુધી અથવા સપ્ટેમ્બર કવાર્ટર સુધી રહી શકે છે.

છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ચીન અને હોંગકોંગમાંથી સાધનો અને કાચા માલનો પુરવઠો ઓછો થયો છે. આને ધ્યાનમાં રાખીને કન્ઝયુમર ઈલેકટ્રોનિકસ અને ઓટોમોબાઈલ ઉત્પાદકો એપ્રિલથી ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે. ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે ચીનમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થવાને કારણે લોકડાઉનને કારણે સપ્લાય પ્રભાવિત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ઝયુમર ઈલેકટ્રોનિકસ કંપનીઓ ચીનમાંથી તૈયાર કાચો માલ આયાત કરે છે, પરંતુ પુરવઠો ન મળવાને કારણે કંપનીઓની ઈન્વેન્ટરી ઘટી રહી છે. આવી સ્થિતિમાં કંપનીઓ એપ્રિલથી ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડશે. ભારતની ઈલેકટ્રોનિકસ કંપનીઓ તેમના કાચા માલના ૪૦ થી ૫૦ ટકા માટે ચીન પર નિર્ભર છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે કંપનીઓ કાચા માલ અને સાધનોની સપ્લાયમાં ૧૦ થી ૧૫ દિવસના વિલંબનો સામનો કરી રહી છે. આના કારણે આવતા મહિને ઉત્પાદનને અસર થશે. આ સિવાય ઓટોમોબાઈલ કંપનીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જો પુરવઠાને અસર થશે તો ઉત્પાદનમાં કાપ મૂકવાનું વિચારી શકે છે.

(10:12 am IST)