Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

તૈયારીઓ શરૂ કરી દીધી

એર ઈન્ડિયા બાદ હવે IDBI બેંકને વેચવા જઈ રહી છે સરકાર

નવી દિલ્હી,તા.૨૨: એરલાઈન કંપની એર ઈન્ડિયા બાદ હવે સરકાર IDBI બેંકને વેચવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકાર હાલમાં રોડ શો એટલે કે IDBI બેંકનો હિસ્સો વેચવા માટે ઓપન ઓફરનું આયોજન કરી રહી છે. સોમવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી.

લોકસભામાં એક લેખિત જવાબમાં નાણા રાજય મંત્રી (MoS) ભગવત કરાડે જણાવ્યું હતું કે, 'એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) જારી કરતા પહેલા રોકાણકારોના હિતનું મૂલ્યાંકન કરવા માટે રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.'

સરકાર આગામી મહિનાના અંત સુધીમાં IDBI બેંકમાં તેનો હિસ્સો વેચવા માટે એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટને આમંત્રિત કરવાની યોજના બનાવી રહી છે. જણાવી દઈએ કે IDBI બેન્કનો શેર NSE પર ૪.૪૩% વધીને રૂ. ૪૪.૭૫ પર બંધ થયો હતો.

રોકાણકારોને આકર્ષવા માટે સરકાર મેનેજમેન્ટ કંટ્રોલની સાથે બેંકમાં લગભગ ૨૬% હિસ્સો વેચવા પર વિચાર કરી શકે છે. ત્યારબાદ સરકાર તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા પર વિચાર કરશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગયા વર્ષે મે મહિનામાં IDBI બેન્કમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંટ્રોલના ટ્રાન્સફર માટે સૈદ્ઘાંતિક મંજૂરી આપી હતી.

(10:09 am IST)