Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

યુક્રેન સંકટ વચ્ચે બાઈડન પોલેન્ડની મુલાકાત લેશે

વ્હાઈટ હાઉસે જાણકારી આપી : યુએસ અન્ય સહયોગી-ભાગીદારો સાથે કેવી રીતે માનવતાવાદી સંકટનો જવાબ આપી રહ્યું છે તેના પર ચર્ચા થશે

નવી દિલ્હી, તા.૨૧ : યુક્રેન સંકટની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પોલેન્ડની મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે અમેરીકી રાષ્ટ્રપતિ ૨૫ માર્ચે પોલેન્ડના પ્રવાસે જશે. ત્યાં તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.બેઠક દરમિયાન તેઓ ચર્ચા કરશે કે, યુક્રેન પર રશિયાના અનુચિત અને અકારણ યુદ્ધના સમયે યુએસ અન્ય સહયોગી અને ભાગીદારો સાથે કેવી રીતે માનવતાવાદી સંકટનો જવાબ આપી રહ્યું છે.

અમેરિકાના એક ટોચના રાજદ્વારીએ રવિવારે ચેતવણી આપી હતી કે, જો ચીન રશિયાને સૈન્ય અથવા નાણાકીય સહાય આપવાનું નક્કી કરે છે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, શનિવારે શી જિનપિંગ સાથેની તેમની વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જો ચીન રશિયાને મદદ કરે તો તેના માટે તેના પરિણામો અને તેના પ્રભાવો વિશે વિગતવાર સમજાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરીકી રાજદૂત લિંડા થોમસ ગ્રીનફિલ્ડે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, શી સાથે પોતાની વાતચીતમાં બાઈડન સ્પષ્ટ હતા.

 અમેરિકી રાષ્ટ્રપતિએ જગજાહેર કર્યું છે કે, જો ચીન રશિયનોને સૈન્ય અથવા નાણાકીય સહાય આપવાનો પ્રયત્ન કરશે તો તેને (ચીન) ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

(12:00 am IST)