Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

મારિયુપોલમાં લોકોને હથિયાર નાખી દેવા રશિયાનું ફરમાન

રશિયન સેનાનું યુદ્ધ ૨૫મા દિવસે વધુ આક્રમક વલણ : યુક્રેનના ઉપ પ્રધાન મંત્રીએ જવાબ આપ્યો કે મારિયુપોલમાં સરન્ડર કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો

કીવ, તા.૨૧ : રશિયાની સેનાએ યુદ્ધના ૨૫મા દિવસે યુક્રેનના પોર્ટ શહેર મારિયુપોલમાં અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે. સ્થિતિ એવી છે કે આ શહેરનો ૮૦ ટકા રહેણાંક વિસ્તાર હુમલામાં પ્રભાવિત થયો છે. શહેરમાં ચારે બાજુ રશિયાના ટેક્ન જણાઈ રહ્યા છે. આ સ્થિતિમાં રશિયાએ યુક્રેનની સેનાને કહ્યું છે કે મારિયુપોલ શહેરમાં હથિયાર નાંખી દો. આ માટે યુક્રેનની સેનાને પાંચ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. યુક્રેનના ઉપ પ્રધાન મંત્રીએ ન્યુઝ એજન્સીના માધ્યમથી જવાબ આપ્યો છે કે મારિયુપોલમાં સરન્ડર કરવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. ઉલ્લેખનીય છે કે મારિયુપોલ યુક્રેનનું એક મોટું અને મહત્વનું શહેર છે. પાછલા ત્રણ અઠવાડિયાથી રશિયા સતત મારિયુપોલ પર હુમલો કરી રહ્યું છે. મારિયુપોલ શહેરમાં રહેતા લોકો પણ શહેર છોડીને જવા મજબૂર થયા છે. સ્થાનિક તંત્રનું કહેવું છે કે, રશિયન આર્મીથી ઘેરાયેલા મારિયુપોલમાં ભોજન, પાણી અને ઉર્જાનો જથ્થો સમાપ્ત થઈ ગયો છે અને અત્યાર સુધી ઓછામાં ઓછા ૨૩૦૦ લોકોનાં મૃત્યુ થયા છે. હથિયાર નાખવાની ચીમકી આપતા પહેલા રશિયન સેનાએ મારિયુપોલ શહેરમાં મોટો હુમલો કર્યો. રશિયન આર્મીએ અહીંની એક શાળામાં બોમ્બ ફેંક્યા અને રોકેટ હુમલા પણ કર્યા. આ શાળામાં હુમલાથી બચવા માટે ૪૦૦ લોકો છુપાયેલા હતા. હુમલા પછી અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ પહેલા મારિયુપોલ શહેરના એક થિયેટર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યાં હજાર જેટલા નાગરિકો છુપાયા હતા. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ આ હુમલા પછી કહ્યુ હતું કે, આ શાંતિપૂર્ણ શહેર પર આક્રમણ કરનારા લોકોએ જે કર્યું છે તે એક એવો આતંક છે જેને આવનારી સદીઓ સુધી યાદ કરવામાં આવશે.

મારિયુપોલ નગર પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાના સૈનિકોએ શહેરના અનેક હજાર લોકોને જબરદસ્તી રશિયા મોકલી દીધા છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ છે અને બાળકો છે. આ લોકોના દસ્તાવેજો લઈ લેવામાં આવ્યા છે. શક્ય છે કે રશિયામાં તેમની પાસે મજૂરી કરાવવામાં આવે. યુનિસેફ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધને કારણે ૧૫ લાખ યુક્રેનિયન બાળકોની તસ્કરી થવાનું જોખમ છે. રશિયાએ રવિવારના રોજ ફરીથી દાવો કર્યો હતો કે તેણે સતત બીજા દિવસે હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, યુક્રેનના ૧૮ શહેરોમાં સતત હુમલા થઈ રહ્યા છે.

(12:00 am IST)