Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

કાળા હિરણ કેસમાં સલમાનખાનને મોટી રાહત : રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા ટ્રાન્સફર પિટિશન મંજુર

હવે તેની સાથે સંબંધિત તમામ સેશન્સ અપીલની સુનાવણી હાઈકોર્ટમાં થશે.

મુંબઈ :બોલિવૂડ એક્ટર સલમાન ખાન માટે બધું એટલું સરળ નથી રહ્યું. ઈન્ડસ્ટ્રીના આટલા મોટા સુપરસ્ટાર હોવા છતાં પણ એક્ટર્સ કોર્ટ-કોર્ટના ચક્કરમાં ફસાયેલા રહે છે. હિરણ કેસમાં તેની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. હવે સુપરસ્ટાર સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. સલમાનની ટ્રાન્સફર પિટિશન મંજૂર કરવામાં આવી છે. સલમાનને આનો ફાયદો એ થયો છે કે તેની સાથે સંબંધિત તમામ સેશન્સ અપીલની સુનાવણી હાઈકોર્ટમાં થશે.

ANIએ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. સલમાન ખાનનો કાળિયારનો મામલો ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યો છે. છેલ્લા બે દાયકાથી સલમાન આ કેસના સંબંધમાં ઘણી વખત રાજસ્થાન ગયો છે. તેના પર જોધપુર નજીક કાંકાની ગામમાં બે કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. આ તે સમયની વાત છે જ્યારે સલમાન ખાન તેની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું શૂટિંગ કરી રહ્યો હતો.

આ કેસમાં સલમાન ખાનની સાથે અન્ય કેટલાક નામો પણ સામે આવ્યા હતા, જે ફિલ્મના શૂટિંગનો ભાગ હતા. તેમાં સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી, સૈફ અલી ખાન અને તબુ પણ સામેલ હતા. તેઓને ભારતીય દંડ સંહિતાની કલમ 149 હેઠળ પણ આરોપી બનાવવામાં આવ્યા છે. થોડા વર્ષો પહેલા કોર્ટે શંકાના લાભના આધારે તમામને છોડી દીધા હતા. આ કેસમાં સલમાન સિવાય દિનેશ ગવાર અને દુષ્યંત સિંહનું નામ પણ સામેલ છે, જેમના પર શિકારનો આરોપ હતો.

(12:00 am IST)