Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

યુપી બજેટ : યોગી સરકારે ખેડૂતોને મફત પાણીની જાહેરાત કરી : ઇન્ફ્રાસ્ટ્રકચર-અયોધ્યા પર કર્યુ ફોકસ

ખેડૂતોને સસ્તી લોન માટે ૪૦૦ કરોડ : અયોધ્યાના વિકાસ માટે ૧૪૦ કરોડ

નવી દિલ્હી, તા. રર : આવતાં વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં યોદી સરકારે આજે બજેટ રજૂ કર્યું. નાણાં મંત્રી સુરેશ ખન્નાએ વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કર્યું. સાથે જ યોગી સરકારનું આ બજેટ ઉત્તર પ્રદેશના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. આ બજેટનું કદ ૫,૫૦,૨૭૦ કરોડ રૂપિયા છે. જેમાં ખેડૂતોને ખેતી માટે મફ્ત પાણી આપવા અને સસ્તી લોન આપવાની જાહેરાત કરાઇ હતી. નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, અમારી સરકાર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવા પર કામ કરી રહી છે. ખેડૂતોને સસ્તી લોન આપવા માટે ૪૦૦ કરોડ રૂપિયા, ખેતી માટે મફ્ત પાણી આપવા માટે ૬૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

યુપી સરકારે ઇન્ફ્રાસ્ટ્રકચર પર ભાર આપતાં એકસપ્રેસ-્રવે, મેટ્રો પ્રોજેકટ, હાઇવે અને એરપોર્ટ પર જોર આપ્યું છે. બજેટમાં કાનપુર, ગોરખપુર, વારાણસીમાં મેટ્રો પ્રોજેકટની જાહેરાત કરી. કાનપુર મેટ્રો માટે ૬૦૦ કરોડ, વારાણસી-ગોરખપુર મેટ્રો માટે ૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેકટ માટે ૧૩૨૬ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

બજેટમાં અયોધ્યાના પૂર્ણ વિકાસ માટે ૧૪૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સાથે જ અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ અયોધ્યા હશે, તેની માટે ૧૦૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાથે જ કોરોના રસીકરણ માટે ૫૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રી સુરેશ ખન્નાએ જાહેરાત કરી કે, પરીક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓને મફ્ત ટેબલેટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બેરોજગાર યુવાઓની કાઉન્સિલિંગ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ૫૨ હજાર યુવાઓને આનો લાભ મળ્યો છે.

બજેટ રજૂ થયાં બાદ યુપી સીએમ યોદી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમારી સરકારે પેપરલેસ બજેટ રજૂ કર્યું, ઇ-કેબિનેટ મીટિંગ પણ કરી. અમારું બજેટ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ વાળું બજેટ છે, જે પાયાનો પથ્થર સાબિત થશે. આ બજેટની થીમ સમગ્ર, સમાવેશી અને સશકિતકરણ રહી છે.

(4:35 pm IST)