Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઇ વર્લ્ડ ઇકોનોમિક ફેડરેશનની બેઠકમાં જઇ રહ્યા છે : વૈશ્વિક રોકાણકારોને ભારતમાં આવવા અપાશે આમંત્રણ

૧૯૯૭ બાદ પહેલી વાર ભારતના કોઇ વડાપ્રધાન દાવોસ જઇ રહ્યા છે

નવી દિલ્હી, તા. ર૦ : ભારત હવે ઉદાર અર્થતંત્ર છે અને અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણોને આવકારવા માટે સજ્જ છે એ બાબતનો પુનરૂચ્ચાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ આવતા સપ્તાહે દાવોસમાં ભરાનારી વર્લ્ડ ઇકોનોમિક ફેડરેશન (WEF)ની બેઠકમાં કરવાના છે.

વિદેશ ખાતા આર્થિક સંબંધોના વિભાગના સચિવ વિજય ગોખલેએ ગઇકાલે જણાવ્યા મુજબ મોદી બાવીસ અને ર૩ જાન્યુઆરીએ દાવોસમાં હશે. તેઓ ફોરમના પ્રારંભિક સત્રને સંબોધવાના છે. તેમનો પ્રવાસ ફકત ર૪ કલાક માટે છે, પરંતુ સઘન કામકાજ થવાનું છે. ૧૯૯૭ બાદ પ્રથમ વાર ભારતીય વડાપ્રધાન આ બેઠકમાં ભાગ લેવાના છે.

વકતવ્ય આપવા ઉપરાંત વડાપ્રધાન સ્વિટ્ઝરલેન્ડના પ્ુખ એલન બરસેત સાથે દ્વીપક્ષી વાતચીત પણ કરવાના છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશનના સચિવ રમેશ અભિષેકે જણાવ્યા મુજબ મોદી બાવીસમીએ ગોળમેજી ભોજન સમારંભમાં વિશ્વની ૪૦ અને ભારતની ર૦ કંપનીઓના ચીફ એકિઝકયુટિવ ઓફિસરો સાથે બેઠક કરશે. ર૩મીએ તેઓ ૧ર૦ રોકાણકારોની બેઠકમાં ભાગ લેશે. એમાં જનરલ મોટર્સ, સેલ્સફોર્સ અને રોયલ ડચ શેલ, નેસ્લે તથા જેપી મોર્ગનનો સમાવેશ થાય છે.

બાવીસમીએ શરૂ થનારી પાંચ દિવસની આ પરિષદમાં ૭૦ દેશોના વડા ભાગ લઇ રહ્યા છે. એ ઉપરાંત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડ અને વર્લ્ડ બેન્ક જેવી ૩૮ સંસ્થાઓના હેડ પણ સહભાગી થશે. એમાં ર૦૦૦ કંપનીઓના ચીફ એકિઝકયુસ્ટિવ પણ આવવાના છે. (૮.૪)

(11:29 am IST)