Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

દેશમાં ફરી સોનાની માંગ વધી : એપ્રિલથી જુલાઈના ગાળામાં સોનાની આયાતમાં 6.4 ટકાનો વધારો

ભારતીયોએ વિદેશમાંથી 12.9 બિલિયન ડોલરનું સોનું ખરીદ્યું : ગયા વર્ષે સમાન સમયગાળામાં 12 અબજ ડોલરના સોનાની થઈ હતી આયાત

 

નવી દિલ્લી : વૈશ્વિક બજારની સારી રિકવરી બાદ સોના અને ચાંદીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. સોના અને ચાંદીના ભાવની અંદર દરરોજ ફેરફાર થતો હોય છે. જે લોકોના ઘરે ખુબ જ નજીક શુભ પ્રસંગ આવી રહ્યા છે ત્યારે લોકોએ સોનું ખરીદતા હોય છે. ત્યારે સ્થિતિ એ છે કે એપ્રિલથી જુલાઈના ગાળામાં દેશમાં સોનાની આયાતમાં 6.4 ટકાનો વધારો થયો છે. મૂલ્યમાં ભારતીયોએ આ સમયગાળા દરમિયાન વિદેશમાંથી 12.9 બિલિયન ડોલરનું સોનું ખરીદ્યું છે. દેશમાં વધતી માંગને કારણે સોનાની આયાતમાં વધારો જોવા મળ્યો છે.

 

 

ગયા વર્ષે સમાન સમયગાળામાં દેશમાં 12 અબજ ડોલરનું સોનું આયાત કરવામાં આવ્યું હતું. સોનાની આયાત માંગમાં વધારો થવાથી દેશની વેપાર ખાધ પર પણ દબાણ વધ્યું છે. સોના અને ક્રૂડના ઊંચા ભાવને કારણે દેશમાં આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વેપાર ખાધ નોંધાઈ છે.

સરકારી આંકડાઓ અનુસાર જુલાઈ મહિનામાં સોનાની આયાતમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ સમયગાળા દરમિયાન દેશમાં 2.4 બિલિયન ડોલરનું સોનું આવ્યું છે જે ગયા વર્ષના જુલાઈની સરખામણીમાં લગભગ 44 ટકા ઓછું છે. મળતી માહિતી મુજબ દેશમાં સોનાની માંગમાં વધારો થયો છે. ખાસ કરીને લગ્નની સિઝન અને એપ્રિલથી જૂનના તહેવારોના સમયમાં માંગ વધી છે. ચીન પછી ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો વપરાશ કરનાર દેશ છે. આયાતી સોનામાં વધારો થવાનો અર્થ એ છે કે દેશના જ્વેલરી સેક્ટરમાં માંગ વધી રહી છે.

સોનાની આયાત વધવાને કારણે દેશની વેપાર ખાધ પણ વધી છે. મોંઘા ક્રૂડના કારણે વર્ષે એપ્રિલથી જુલાઈ વચ્ચે દેશની વેપાર ખાધ 30 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે આવી ગઈ છે. જ્યારે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં દેશની વેપાર ખાધ 10.63 અબજ ડોલરના સ્તરે હતી. જોકે, રાહતની વાત છે કે સમયગાળા દરમિયાન દેશમાંથી જેમ્સ અને જ્વેલરીની નિકાસ 7 ટકા વધીને 13.5 અબજ ડોલર થઈ ગઈ છે. જ્વેલરી ઉદ્યોગ દેશમાં આયાતી સોનામાંથી કેટલાકને જ્વેલરીમાં રૂપાંતરિત કરીને નિકાસ પણ કરે છે. જો કે, નિકાસ વધ્યા પછી પણ દેશની વેપાર ખાધ ઝડપથી વધી છે. નાણાકીય વર્ષ 2020-21માં સરપ્લસની સ્થિતિ પછી દેશની ચાલુ ખાતાની ખાધ 2021-22માં જીડીપીના 1.2 ટકા થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં પણ તેમાં વધારો જોવા મળ્યો છે.

(7:40 pm IST)