Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

રશિયાનો હાઈપર સોનિક મિસાઈલથી એટેક , દારૂગોળાનો ડેપો ઊડાવી દીધો

યુક્રેનની કેટલીક જાહેરાતો બાદ યુદ્ધ સમાપ્ત થવાની અટકળો ખોટી પડી : યુક્રેનના દક્ષિણમાં આવેલા શહેર ઝાપોરિઝિન્ઝિઆમાં રશિયાના તોપમારામાં નવ લોકોનાં મોત થયા, શહેરમાં ૩૬ કલાકનો કરફ્યૂ જાહેર કરી દેવાયા

મોસ્કો, તા.૧૯ : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે તાજેતરમાં જ કરેલી કેટલીક જાહેરાતો બાદ રશિયા સામે ચાલી રહેલું યુદ્ધ ગમે ત્યારે સમાપ્ત થશે તેવી અટકળો ખોટી પડી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયાએ પોતાના હુમલાઓની તીવ્રતા વધારી છે, અને યુક્રેનના લશ્કરી થાણાં તેમજ શસ્ત્ર સરંજામને તબાહ કરવા માટે વ્યાપક હુમલા શરુ કર્યા છે. રશિયન ન્યૂઝ એજન્સી ઈન્ટરફેક્સના જણાવ્યા અનુસાર, રશિયાએ હવે હાઈપર સોનિક મિસાઈલથી અટેક શરુ કર્યો છે. યુક્રેનના દક્ષિણમાં આવેલા શહેર ઝાપોરિઝિન્ઝિઆમાં તોપમારામાં નવ લોકોનાં મોત થયા છે જે બાદ અહીં ૩૬ કલાકનો કરફ્યૂ જાહેર કરી દેવાયો છે. રશિયાના સંરક્ષણ મંત્રીએ શનિવારે જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનના ઈવાનો-ફ્રાક્નિવ્સક પ્રાંતમાં આવેલા એક વિશાળ અંડરગ્રાઉન્ડ ડેપોને ઉડાવી માર્યો છે, જેમાં યુક્રેને વિશાળ માત્રામાં દારુગોળાનો સંગ્રહ કર્યો હતો. હાઈપરસોનિક મિસાઈલ દ્વારા કરાયેલા હુમલામાં યુક્રેનની મિસાઈલો ઉપરાંત હવાઈ હુમલા કરવા માટે રખાયેલા દારુગોળાનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, યુક્રેનના પોર્ટ સિટી ઓડેસા નજીક આવેલા લશ્કરી રેડિયો સેન્ટર અને એક કેમ્પનો સફાયો કરી દીધો છે.

રશિયાના વધતા હુમલાઓ વચ્ચે યુક્રેનના દક્ષિણમાં આવેલા શહેર ઝાપોરિઝિન્ઝિઆમાં ૩૬ કલાકનો કરફ્યૂ જાહેર કરી દેવાયો છે. શહેરના મેયરે એક ઓનલાઈન પોસ્ટમાં જણાવ્યું હતું કે લોકો સોમવાર સુધી પોતાના ઘરની બહાર ના નીકળે. મારિયુપોલથી પલાયન કરી રહેલા લોકો આ શહેરમાંથી પસાર થઈ રહ્યા હોવાથી આ શહેરમાં હાલ ચહલપહલ ખાસ્સી વધી ગઈ છે. યુક્રેનની સાંસ્કૃતિક રાજધાની કહેવાતા લિવીયમાં પણ રશિયાએ હુમલા શરુ કર્યા છે. અત્યારસુધી આ શહેર પર યુદ્ધની કોઈ અસર જોવા નહોતી મળી રહી. જોકે, શુક્રવારે રશિયાએ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર જ હવાઈ હુમલો કર્યો હતો. જેના કારણે આખુંય શહેર ધણધણી ઉઠ્યું હતું. જ્યાં અટેક થયો તે સ્થળ પરથી કાળા ડિબાંગ ધૂમાડા પણ દેખાયા હતા. યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલમાં આવેલા એક સ્ટીલ પ્લાન્ટ પર પણ રશિયાએ હુમલો કર્યો હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુરોપના સૌથી મોટા ગણાતા આઝોવ્સતાલ સ્ટીલ પ્લાન્ટ પર કબજો જમાવવા માટે રશિયન સૈનિકો અને યુક્રેનના સૈનિકો વચ્ચે લડાઈ ચાલી રહી છે. યુક્રેનના ગૃહમંત્રીના સલાહકારે આ અંગે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુરોપના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટને તબાહ કરવામાં આવી રહ્યો છે, અને યુક્રેન તેના પરથી પોતાની પકડ ગુમાવી રહ્યું છે.બીજી તરફ, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ફ્રાંસના પ્રમુખ સાથેની વાતચીતમાં યુક્રેન પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોના મોત ના થાય તે માટે રશિયા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. તો યુક્રેનનો દાવો છે કે અત્યારસુધીના યુદ્ધમાં ૧૧૨ બાળકોના મોત થયા છે. તો, યુદ્ધને અટકાવવા માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા સાથે ફરી મંત્રણાની પહેલ કરી છે. છેલ્લા ત્રણ સપ્તાહથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

(8:04 pm IST)