Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

દેશની સૌથી મોટી ખાનગી શિપયાર્ડ બિલ્‍ડિંગ કંપની હાથમાંથી ગઈ

અંબાણીને ઝટકો

મુંબઇ,તા. ૧૯ : એક સમયે દેશના ત્રીજા નંબરના સૌથી અમીર વ્‍યક્‍તિ એવા અનિલ અંબાણીને મોટો ઝટકો લાગ્‍યો છે. દેશની સૌથી મોટી ખાનગી શિપયાર્ડ બિલ્‍ડિંગ કંપની રિલાયન્‍સ નેવલ એન્‍ડ એન્‍જિનિયરિંગ લિમિટેડ (RNEL) તેમના હાથમાંથી છૂટી ગઈ છે. અનિલ અંબાણી પોતાની કંપનીને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા હતા અને આ માટે તેમણે છેલ્લી ઘડીએ રિઝોલ્‍યુશન પ્‍લાન પણ રજૂ કર્યો હતો. પરંતુ ધિરાણકર્તાઓએ તેને નકારી કાઢ્‍યો હતો.
નિખિલ મર્ચન્‍ટની આગેવાની હેઠળના હેઝલ મર્કેન્‍ટાઇલ-સ્‍વાન એનર્જી કન્‍સોર્ટિયમે રિલાયન્‍સ નેવલની રેસ જીતી લીધી છે. ગુરુવારે મોડી સાંજે, લગભગ ૯૫ ટકા ધિરાણકર્તાઓએ આ કન્‍સોર્ટિયમની તરફેણમાં મતદાન કર્યું હતું. કંપનીના રિઝોલ્‍યુશન પ્રોફેશનલ્‍સ ટૂંક સમયમાં તેના માટે NCLT પાસેથી મંજૂરી મેળવશે. જે બાદ નાદાર થયેલી કંપનીને આ કોન્‍સોર્ટિયમને સોંપવામાં આવશે.
રિલાયન્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરે તેનો રિઝોલ્‍યુશન પ્‍લાન સબમિટ કર્યો હતો, પરંતુ સૂત્રોના જણાવ્‍યા અનુસાર લેણદારોની સમિતિએ સર્વસંમતિથી તેને ફગાવી દીધો હતો. આ સાથે ૨૬ મહિનાથી ચાલી રહેલી આ કંપનીની રિઝોલ્‍યુશન પ્રક્રિયાનું એક પ્રકરણ બંધ થઈ ગયું હતું. કંપનીએ SBI અને યુનિયન બેંક સહિત અન્‍ય બેંકોના રૂ. ૧૨,૪૨૯ કરોડનું દેવું હતું.
હેઝલ મર્કેન્‍ટાઇલ સાથે સ્‍વાન એનર્જી અને નવીન જિંદાલની જિંદાલ સ્‍ટીલ એન્‍ડ પાવર લિમિટેડે આ કંપનીને ખરીદવા માટે બિડ કરી હતી. ગ્રુપ વેરિટાસની કંપની હેઝલ મર્કેન્‍ટાઇલે ધિરાણકર્તાઓને રૂ. ૨,૦૪૦ કરોડની ઓફર કરી છે. તેમાંથી રૂ. ૧,૬૪૦ કરોડ આગામી પાંચ વર્ષમાં આપવામાં આવશે અને બાકીની રકમ અમુક લેણાંની વસૂલાત પછી ચૂકવવામાં આવશે. જેએસપીએલે રૂ. ૨,૨૧૦ કરોડની ઓફર કરી છે. તેમાંથી ૮૫૦ કરોડ રૂપિયા આગામી પાંચ વર્ષમાં આપવામાં આવશે જયારે બાકીની રકમ થોડી વસૂલાત બાદ આપવામાં આવશે.
રિલાયન્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની દરખાસ્‍ત મુજબ, ધિરાણકર્તાઓને અપફ્રન્‍ટ પેમેન્‍ટ તરીકે રૂ. ૨૫ કરોડ મળવાના હતા. એ જ રીતે, તેમને પ્રથમ વર્ષના અંતે ૨૫ કરોડ, બીજા અને ત્રીજા વર્ષના અંતે ૫૦ કરોડ, ચોથા વર્ષ પછી ૭૫ કરોડ અને એક વર્ષ પછી ૨,૩૦૦ કરોડ રૂપિયા આપવાના હતા. પરંતુ ધિરાણકર્તાઓએ તેના પર કોઈ વિચારણા ન કરી અને સર્વાનુમતે તેને નકારી કાઢી હતી.

 

(9:31 am IST)