Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

દારૂબંધીના કાયદા હળવા કરવા સરકારની વિચારણા

બિહારમાં દારૂબંધીના ગુજરાતની જેમજ ધજાગરા : બિહાર બજેટ સત્રમાં પ્રસ્તાવ રજૂ કરશે જેમાં દારુ પીતા પકડાયેલાને દંડ વસૂલીને છોડી દેવાની જોગવાઈ છે

નવી દિલ્હી, તા.૧૯ : બિહાર સરકારે ગુજરાતની જેમ દારુબંધી લાગુ તો કરી છે પણ ગુજરાતની જેમ જ બિહારમાં પણ તેના ધજાગરા ઉડી રહ્યા છે. તાજેતરમાં બિહારના સીએમ નિતિશ કુમારના મત વિસ્તાર નાલંદામાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને તેના પગલે નિતિશ સરકારની આબરુના ફરી ધજાગરા થયા હતા.હવે નિતિશ કુમાર સરકારે દારુબંધીના કાયદા હળવા કરવા માટે વિચારણા શરુ કરી છે.સૂત્રોના કહેવા પ્રમાણે બિહાર સરકાર વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન એક પ્રસ્તાવ રજૂ કરવા માંગે છે.જેમાં દારુ પીતા પકડાયેલા લોકોને સ્થળ પર જ દંડ વસૂલીને છોડી દેવાની જોગવાઈ છે.જોકે એકથી વધારે વખત પકડાયેલાને તેનો લાભ નહીં મળે.

જેડીયુના સૂત્રોનુ કહેવુ છે કે, દારુની હેરફેર માટે પકડાતી ગાડીઓને પણ દંડ ભરીને છોડી દેવાનુ વિચારવામાં આવી રહ્યુ છે.નાલંદા કાંડ બાદ સરકારની થઈ રહેલી ટીકા વચ્ચે વિરોધ પક્ષના એક નેતાનુ કહેવુ છે કે, નીતિશ કુમારે દારુબંધી પર એક સર્વે કરવાની જરુર છે.જો બિહારના લોકો દારુબંધી પાછી ખેંચવાના સમર્થનમાં હોય તો તેનુ પાલન થવુ જોઈએ.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં ૨૦૧૬થી દારુબંધી લાગુ કરાઈ છે.તાજેતરમાં પટણા હાઈકોર્ટે પણ ટીકા કરતા કહ્યુ હતુ કે, દારુબંધીને લગતા કેસ વધી રહ્યા હોવાથી ન્યાયપ્રણાલિકા પર ભારે બોજ પડી રહ્યો છે.માટે સરકારે દારુ સાથે જોડાયેલા મામલાને લઈને દરેક જિલ્લામાં અલગ કોર્ટ બનાવવી જોઈએ.

જોકે નિતિશ સરકાર હજી પણ દારુબંધીને લઈને મક્કમ છે.હવે સરકારે દારુબંધી બાદ લોકોના જીવનમાં આવેલા સામાજિક અને આર્થિક બદલાવની જાણકારી આપવા માટે અભિયાન છેડવાનુ નક્કી કર્યુ છે.

(8:15 pm IST)