Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

અપર્ણાના પગલે હવે અખિલેશના માસા પણ ભાજપમાં: મુલાયમ પરિવારને ભાજપની યોગી સરકારે વધુ એક ફટકો માર્યો

મુલાયમ સિંહ યાદવને વિક્રમાદિત્ય માર્ગ સ્થિત આવાસ પર બંધક બનાવી લેવામાં આવ્યા છે : કોઈ માન સન્માન નથી : મુલાયમના સાઢુભાઈએ જબરા પ્રહારો કર્યા

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના સાઢુભાઈ અને ઔરૈયા જિલ્લાના બિધુના વિસ્તારના ધારાસભ્ય તથા અખિલેશ યાદવના માસા પ્રમોદ કુમાર ગુપ્તા એલએસએ કહ્યું કે સપા તેની મૂળ વિચારધારાથી ભટકી ગઈ છે.  હવે નેતાજી (મુલાયમ સિંહ યાદવ) અને શિવપાલ સિંહ યાદવનું પાર્ટીમાં કોઈ માન-સન્માન નથી, આવી સ્થિતિને લીધે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય પ્રમોદ કુમાર ગુપ્તા (એલએસ), મુલાયમની બીજી પત્ની સાધના યાદવના બનેવી, હાલમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પદાધિકારી છે. આજે બુધવારે મુલાયમની નાની પુત્રવધુ અપર્ણા યાદવ દિલ્હીમાં ભાજપમાં જોડાઈ ગઈ છે ત્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના સગા માસા  પ્રમોદ ગુપ્તા એલ.એસ.એ પત્રકારોને જણાવ્યું કે તેઓ લખનૌમાં ભાજપમાં જોડાશે.

તેમણે કહ્યું કે પાર્ટી હવે તેની મૂળ વિચારધારાથી ભટકી ગઈ છે અને તેમાં જુગાર અને સટ્ટાબાજીમાં સામેલ તથા જમીનો ઉપર કબજો કરનારા લોકોને તેમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

 પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે સપામાં મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ સિંહ યાદવને પરેશાન કરવામાં આવી રહ્યા છે.  મુલાયમ સિંહ યાદવને વિક્રમાદિત્ય માર્ગ સ્થિત આવાસ પર બંધક બનાવી લેવામાં આવ્યા છે અને તેમને કોઈને મળવાની પણ મંજૂરી નથી.  નેતાજીના જન્મદિવસે તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા અને માઈક છીનવી લેવામાં આવ્યું હતું.

(6:13 pm IST)