Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નાદારીથી બચવા માટે શ્રીલંકાએ સોનું વેચવાનું શરૂ કર્યુ

શ્રીલંકાના પ્રમુખ અર્થશાસ્ત્રીએ ભારતનું ઉદાહરણ આપીને કહ્યું, ભારતે પણ સોનુ ગીરવે મુકયુ હતું

નવી દિલ્હી તા. ૧૯ : શ્રીલંકા ખુદને નાદાર થવાથી બચાવા માટે સોનુ વેચવાની સ્થિતિમાં પહોંચી ચુકયું છે. શ્રીલંકા સોનુ વેચીને તેની તૂટેલી અર્થવ્યવસ્થાને સહારો આપી રહ્યું છે. શ્રીલંકાએ કેન્દ્રીય બેંકને કહ્યું છે કે તેને ખત્મ થયેલા વિદેશી મુદ્રાના ભંડારને જોઇને તેમના ગોલ્ડ રિઝર્વનો એક ભાગ વેચી દીધો છે. શ્રીલંકાના પ્રમુખ અર્થશાસ્ત્રી અને સેન્ટ્રલ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નરે ડો. ડબલ્યુ.એ.જે. વર્ધન હાલમાં એક ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે, કેન્દ્રીય બેંકનું ગોલ્ડ રિઝર્વ ઓછું થઇ ગયું છે.

તેઓએ તેમના ટ્વિટમાં લખ્યું કે સેન્ટ્રલ બેંકનું ગોલ્ડ રીઝર્વ ૩૮.૨ કરોડ ડોલરથી ઘટાડીને ૧૭.૫ કરોડ ડોલરનું થઇ ગયું છે.

એક રિપોર્ટના જણાવ્યા મુજબ અંદાજ છે કે શ્રીલંકાના કેન્દ્રીય બેંકની પાસે ૨૦૨૧ની શરૂઆતમાં ૬.૬૯ ટન સોનાનો ભંડાર હતો. જેમાંથી લગભગ ૩.૬ ટન સોનુ વેચવામાં આવ્યું છે. જેનાથી તેની પાસે અંદાજે ૩.૦થી ૩.૧ ટન સોનું રહ્યું છે.

૨૦૨૦માં પણ કેન્દ્રીય બેંકે સોનુ વેચ્યું હતું. વર્ષની શરૂઆતમાં શ્રીલંકાની પાસે ૧૯.૬ ટન સોનાનો ભંડાર હતો. જેમાંથી ૧૨.૩ ટન સોનુ વેચવામાં આવ્યું. શ્રીલંકાએ વર્ષ ૨૦૧૫, ૨૦૧૮ અને ૨૦૧૯માં પણ સોનું વેચ્યું હતું.

ડો. ડબલ્યુ. એ વિજેવર્દનેએ શ્રીલંકાના અખબાર ડેઈલી મિરર સાથે સોનાના વેચાણ અંગે વાત કરી છે. તેમણે શ્રીલંકાની સ્થિતિની સરખામણી ૧૯૯૧ના ભારત સાથે કરી હતી જયારે ભારતે પોતાને નાદારીથી બચાવવા માટે સોનું ગીરવે મૂકયું હતું.

તેમણે કહ્યું, 'સોનું એ એક અનામત છે જેનો ઉપયોગ જયારે કોઈ દેશ ડિફોલ્ટની આરે હોય ત્યારે અંતિમ ઉપાય તરીકે કરવો પડે છે. તેથી, જયારે અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોય, ત્યારે સોનાનું વેચાણ થોડુંક કરવું જોઈએ. ભારતે ૧૯૯૧માં પણ તેનું સોનું ગીરવે મૂકયું હતું.'

તેમણે વધુમાં કહ્યું કે, 'ભારત સરકારે તેને દેશથી છુપાવી દીધું પરંતુ વાર્તા બહાર આવી અને સરકારની છબી ખરડાઈ, પરંતુ તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે પછીથી લોકસભામાં સ્વીકાર્યું કે દેશ પાસે આ સિવાય કોઈ વિકલ્પ નથી. તો આજે શ્રીલંકા દ્વારા સોનાના વેચાણનો અર્થ એ થાય છે કે દેશની હાલત ૧૯૯૧ના ભારત જેવી જ છે.'

(3:54 pm IST)