Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

બોર્ડની પરીક્ષા.. વિદ્યાર્થીઓમાં લખવાની આદત છૂટતા ચિંતા

ઓનલાઇન-ઓફલાઇન વર્ગો વચ્ચે વિદ્યાર્થીઓની ઘટેલી લેખન ક્ષમતા મોટો પડકાર : વિદ્યાર્થી મહતમ પેપર પ્રેકિટસ કરે એ પ્રમાણે રિવિઝન પોલીસી તૈયાર, કાઉન્સેલિંગ પણ કરાશે

નવી દિલ્હી,તા. ૧૯ : વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિની દિશા નિર્ધારિત કરતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાને હવે ૧૦ દિવસ બાકી રહ્યા છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર સાથે ૨૮ માર્ચથી પરીક્ષાનો નિર્ણય કરાયો છે. જેને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની શાળાઓ વિદ્યાર્થીઓના રિવિઝન સહિતની તૈયારીઓ માટે સજ્જ થઇ ગઇ છે. સુરતની મહતમ શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨નો અભ્યાસક્રમ પુરો થઇ ગયો હોવાનો મત આચાર્ય, શિક્ષકો, શિક્ષણવિદો આપી રહ્યા છે. જેમાં હવે કોરોના મહામારીના પ્રવર્તમાન સંજોગો અને ઓનલાઇન -ઓફલાઇન વર્ગો સાથે ચાલેલા શિક્ષણકાર્યને જોતાં શાળાઓએ અલાયદી રિવિઝન પોલીસી તૈયાર કરી છે. તે સાથે જ વિદ્યાર્થીઓની ઘટેલી લેખન ક્ષમતા મોટો પડકાર સાબિત થાય એમ હોય પેપર પ્રેકિટસ, રાઉન્ડ ટેસ્ટની સાથે જ કાઉન્સેલિંગ સેશન સાથે રિવિઝનનો દોર શરૂ કરવા આયોજન કરાય ચૂકયા છે. (૨૨.૮)

૩ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાા તારીખમાં ફેરફાર સાથે ૨૮ માર્ચથી  ૧૨ એપ્રિલ સુધી યોજવા નિર્ણય કરાયો છે. દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એવી શકયતા વ્યકત કરાઇ રહી છે. સુરતમાં અંદાજિત ૧.૬૦ લાખ, ડાંગમાં ૬૨૦૦, ભરૂચમાં ૪૦ હજાર, વલસાડમાં ૪૫ હજાર, નવસારીમાં ૪૦ હજાર અને તાપીમાં ૧૬ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

લેવલ પ્રમાણે રિવિઝન, રાઇટિંગ પર વધુ ભાર

વિદ્યાર્થીઓનો કોર્સ પૂરો થઇ ગયો છે. હવે લેવલ પ્રમાણે વિદ્યાર્થીઓને રિવિઝન, તૈયારી કરાવીશું. એક જ લેવલના બાળકોને ભણાવવા સાથે ગ્રુપ પ્રમાણે જ બોર્ડની તૈયારી ચાલશે. રાઇટિંગ પ્રેકિટસ પર વધુ ભાર આપીશું. બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવીએ માટે વિદ્યાર્થીઓના ગ્રુપ પાડીને રિવિઝન ચાલશે.

-મીતા વકીલ (આચાર્ય)

દર એક દિવસના બ્રેક પર ચેપ્ટર પ્રમાણે રિવિઝન

બોર્ડના વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવાનું વધુ પસંદ કરે છે. એટલે  દર એક દિવસના બ્રેક સાથે ઓડ-ઇવન સિસ્ટમથી રિવિઝન, ટેસ્ટની તૈયારી કરી છે. અડધો દિવસ ચેપ્ટર પ્રમાણે રિવિઝન અને અડધો દિવસ પરીક્ષા લેવામાં આવે છે. જેઇઇ અને નીટની તૈયારી માટે ઓલ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ પણ ગોઠવી છે

- મહેશ શ્યાણી

૩૧-૩૧-૫-૩ના પ્લાનિંગ મોડેલ આધારે તૈયારી

ધોરણ-૧૦ અને ૧૨ની તૈયારી માટે પ્લાનિંગ મોડેલ એપ્લાય કર્યું છે. ચેપ્ટર પ્રમાણે રિવિઝન માટે બે ભાગ પાડ્યા છે. પહેલા ૩૧ દિવસના સેશનમાં પ્રથમ સત્ર અને પછી ૩૧ દિવસના સેશનમાં બીજા સત્રનું રિવિઝન પરીક્ષા લઇશું. ત્યારબાદ ૫ દિવસ આખા ૧૦૦ ટકા અભ્યાસક્રમની પરીક્ષા અને પછી ૩ દિવસ બ્રેક રહેશે.

-વિરલ નાણાવટી

૩ તબક્કામાં પ્રેકિટસ પેપર અને રાઉન્ડ ટેસ્ટ થશે

વિદ્યાર્થીઓના પેપર પ્રેકિટસ અને રાઉન્ડ ટેસ્ટ માટે ત્રણ અલગ અલગ તબક્કા પાડ્યા છે. પ્રથમ તબક્કામાં ૫૦-૫૦ ટકા અભ્યાસક્રમનું રિવિઝન, પરીક્ષા લેવાશે. ત્યારબાદ એક પ્રિલીમ ટેસ્ટ રહેશે. ત્રીજા તબક્કામાં ૧૦૦ ટકા અભ્યાસક્રમની બે રાઉન્ડ ટેસ્ટ હશે. રેકોર્ડેડ લેકચર દ્વારા વિદ્યાર્થીઓના રિવિઝન માટેનું આયોજન કર્યું છે.

-રાજેશ ગોળકિયા

(9:51 am IST)