Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

રેલ્‍વેએ મુસાફરોની સુરક્ષા માટે નવી ગાઇડલાઇન બહાર પાડી જેમણે રસી લીધી હશે તે જ મુસાફરી કરી શકશે

'નો વેક્સિન, નો એન્ટ્રી' પોલિસી અમલી

નવી દિલ્‍હી, તા. ૧૮ : આપણી સસ્‍તી-મુસાફરીની સુવિધા આપતી ભારતીય રેલ્વેએ કોરોનાના વધતા જતા કેસોને લઈને મુસાફરોની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.

આ નવી ગાઈડલાઈનમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જો તમે અત્યારે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમારે આ ગાઈડલાઈન જરૂર વાંચવી જોઈએ. રેલવે દ્વારા જારી કરવામાં આવેલી આ ગાઈડ લાઈનમાં ઘણી એવી બાબતો છે, જે તમારા માટે મુસાફરી પર નીકળતા પહેલા જાણવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ગાઈડ લાઈન શું છે, ચાલો તમને જણાવીએ.

કોરોનાના ઝડપથી વધી રહેલા સંક્રમણને જોતા દક્ષિણ રેલવેએ મુસાફરો પર કેટલાક કડક નિયંત્રણો લાદી દીધા છે. હાલમાં આ નવો નિયમ લોકલ ટ્રેનો માટે બનાવવામાં આવ્યો છે. વાસ્તવમાં, દક્ષિણ રેલવેએ લોકલ ટ્રેનોમાં 'નો વેક્સિન, નો એન્ટ્રી' નીતિ લાગુ કરી છે.

આ નવા નિયમ મુજબ હવે ફક્ત તે લોકો જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે જેમણે રસીકરણ કરાવ્યું છે. લોકો હવે કોરોનાની રસી લીધા વિના લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે નહીં. એટલું જ નહીં, જો કોઈ યાત્રીએ કોરોના વેક્સીનનો માત્ર એક જ ડોઝ લીધો હોય તો પણ તેને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

દક્ષિણ રેલ્વેએ એમ પણ કહ્યું છે કે રેલ્વે મુસાફરો માટે કોરોનાને લઈને જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે. મુસાફરીની ટિકિટ અથવા માસિક સિઝન ટિકિટ (MST) જારી કરતી વખતે મુસાફરોએ રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું પણ ફરજિયાત રહેશે.

જેમની પાસે રસીકરણનું પ્રમાણપત્ર હશે તેમને જ ટિકિટ આપવામાં આવશે. દક્ષિણ રેલ્વેના આ પગલાને જોતા, સમાન નિયમો અન્ય સ્થળોએ પણ લાગુ કરી શકાય છે.

(11:08 pm IST)