Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

વધુ એક સેલેબ્ઝના ડિવોર્સ! 'મહાભારત'ના ક્રિષ્નાએ બીજી વાર લીધા છૂટાછેડા

અભિનેતા નીતીશ ભારદ્વાજે સપ્ટેમ્બર ૨૦૧૯માં જ ડિવોર્સ ફાઇલ કરી દીધા છેઃ IAS ઓફિસર સ્મિતા ગેટ સાથેના બાર વર્ષના સંબંધનો આવશે અંત

મુંબઇ, તા.૧૮: 'મહાભારત' ફેમ અભિનેતા નીતીશ ભારદ્વાજ લગ્ન જીવનના બાર વર્ષ બાદ બીજી પત્ની આઇએએસ ઓફિસર શ્રીમતી સ્મિતા ગેટ થી અલગ થઇ ગયા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં જ આ દંપતી અલગ થઇ ગયા છે. તેમને જોડિયા દીકરીઓ છે, જેઓ હાલમાં તેમની માતા સાથે ઈન્દોરમાં રહે છે.

બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં છૂટાછેડા વિષે વાત કરતા નીતીશ ભારદ્વાજે કહ્યું હતું કે, 'હા, મેં સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. અમે શા માટે અલગ થયા તે કારણો હું જણાવવા માંગતો નથી. મામલો અત્યારે કોર્ટમાં છે. હું ફકત એટલું જ કહી શકું છું કે કેટલીકવાર છૂટાછેડા મૃત્યુ કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે. કારણકે એ બાબત તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે છે.'

લગ્ન વિશે પોતાના વિચારો વ્યકત કરતા નીતીશ ભારદ્વાજે કહ્યું કે, 'હું લગ્નમાં દ્રઢ વિશ્વાસ રાખું છું, પણ હું કમનસીબ રહ્યો છું. સામાન્ય રીતે, લગ્ન તૂટવાના કારણો અનંત હોઈ શકે છે, કેટલીકવાર તે બેકાબૂ વલણ અથવા લાગણીના અભાવને કારણે હોય છે અથવા તે અહંકાર અને સ્વ-કેન્દ્રિત વિચારસરણીનું પરિણામ હોઈ શકે છે. પરંતુ જયારે એક કપલના છૂટાછેડા થાય છે ત્યારે સૌથી વધુ પીડાય છે બાળકો. તેથી ડિવોર્સ બાદ માતા-પિતાની જવાબદારી એ સુનિશ્યિત કરવાની છે કે તેમના બાળકોને ઓછામાં ઓછું નુકસાન થાય અને તેમના જીવન પર ઓછી અસર પડે.

અભિનેતાને જયારે પુછવામાં આવ્યું કે તે તેની દીકરીઓના નિયમિત સંપર્કમાં છે તો ત્યારે તેને જવાબ આપ્યો કે, 'હું તેમને મળવા સક્ષમ છું કે નહીં તે અંગે હું મારી ટિપ્પણીઓ અનામત રાખવા માંગુ છું.'

તમને જણાવી દઇએ કે, નીતીશ ભારદ્વાજે બે વાર લગ્ન કર્યા છે અને તેઔ ચાર બાળકોના પિતા છે. નીતીશે ૨૮ વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન કર્યા હતા. તેણે ૨૭ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ વિમલા પાટીલની પુત્રી મોનિષા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ હતા, એક દીકરો અને એક દીકરી. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શકયા નહીં અને વર્ષ ૨૦૦૫માં તેમના છૂટાછેડા થઈ ગયા. નીતિશ અને મોનિષાના અલગ થયા બાદ તેમના બાળકો તેમની માતા સાથે લંડનમાં રહેવા લાગ્યા.

મોનિષાથી અલગ થયાના લગભગ ત્રણ વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૦૮માં નીતીશે બીજી વાર સ્મિતા ગેટ સાથે લગ્ન કર્યા. સ્મિતાના પણ આ બીજા લગ્ન હતા અને તેણે તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. સ્મિતા મધ્ય પ્રદેશ કેડરની ૧૯૯૨ બેચની IAS ઓફિસર છે. બન્ને પહેલીવાર પુણેમાં મળ્યા હતા અને પછી મધ્યપ્રદેશમાં મિટિંગ માટે ગયા હતા. બન્ને શરુઆતમાં સારા મિત્રો હતા. પછી એક ફેમેલિ ફ્રેન્ડે લગ્ન કરવાનું સુચન આપ્યું અને તેમણે વર્ષ ૨૦૦૮માં લગ્ન કરી લીધા હતા. બન્નેને બે જુડવા દીકરીઓ છે. હવે આ બન્નેના પણ છૂટાછેડા થઇ રહ્યાં છે. ત્યારે દીકરીઓ માતા સ્મિતા સાથે ઈન્દોરમાં રહે છે.

(2:58 pm IST)