Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

પંજાબમાં ભગવંત માન હશે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

પ્રજાના મંતવ્યોના આધારે મુખ્યમંત્રી કેજરીવાલે કર્યુ એલાન : આપના સર્વેમાં બીજા નંબરે સિધ્ધુનું નામ

નવી દિલ્હી તા. ૧૮ : આમ આદમી પાર્ટીએ પંજાબમાં સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. પંજાબમાં ભગવંત માન પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. ભગવંત માનના નામની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબના લોકોના અભિપ્રાયના આધારે મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કર્યો છે. તેમણે કહ્યું, 'જો મેં મારા વતી ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હોત તો લોકો કહેત કે અરવિંદ કેજરીવાલે ભત્રીજાવાદ કર્યો છે. એટલા માટે અમે ગયા અઠવાડિયે એક ફોન નંબર જારી કર્યો હતો જેથી પંજાબના ત્રણ કરોડ લોકોનો અભિપ્રાય લઈ શકાય.'

AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારા દ્વારા જારી કરાયેલા નંબરને ૨૧ લાખ ૫૯ હજારથી વધુ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે. તમામ સર્વે અને વાતાવરણ જણાવી રહ્યા છે કે રાજયમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે જે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે તે એક રીતે રાજયના આગામી મુખ્યમંત્રી હશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઘણા લોકોએ તેમના પ્રતિભાવમાં મારૃં નામ નાખ્યું. અમે આ મતોને ફગાવી દીધા છે. આ પછી બાકીના ૯૩ ટકા લોકોએ સરદાર ભગવંત સિંહનું નામ લીધું છે.આટલું જ નહીં, AAP નેતાએ આ દરમિયાન કોંગ્રેસ પર કટાક્ષ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે લોકોએ અમને આપેલા અભિપ્રાયોમાંથી માત્ર ૩ ટકા લોકોએ નવજોત સિંહ સિદ્ઘુને સીએમ તરીકે તેમની પસંદગી આપી છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં સીએમ ચહેરાની જાહેરાત કરીને કોંગ્રેસને બેકફૂટ પર લાવવાનું કામ કર્યું છે, જે હજુ પણ દ્વિધાભરી સ્થિતિમાં છે. હકીકતમાં, એક જૂથ ભવિષ્યમાં સીએમ ચન્નીને જાળવી રાખવા માંગે છે, જયારે નવજોત સિંહ સિદ્ઘુ પણ તેમના વતી દાવો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા કોઈ વિવાદથી બચવા કોંગ્રેસે સામૂહિક નેતૃત્વમાં જ લડવાનું કહ્યું છે. પરંતુ હવે AAP તરફથી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરીને કોંગ્રેસ દબાણમાં આવી શકે છે.

(2:57 pm IST)