Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

તૈયાર રહેજો... પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો

અઢી મહિનાથી સતત સ્‍થિરતા બાદ ફરી ઉછાળો જોવા મળશે

નવી દિલ્‍હી તા. ૧૮ : દેશમાં સતત અઢી મહિનાની સ્‍થિરતા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્‍ટાન્‍ડર્ડ બ્રેન્‍ટ ક્રૂડ ૮૫ ડોલર પ્રતિ બેરલની નજીક સાત વર્ષની ટોચે પહોંચી ગયું છે. બજારના જાણકારોનું કહેવું છે કે આની અસર ટૂંક સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય સ્‍તરે અનેક ઘટનાઓને કારણે પણ થયો છે. અમેરિકામાં તોફાનથી કાચા તેલના ઉત્‍પાદનને અસર થઈ છે, જેના કારણે બ્રેન્‍ટ ક્રૂડના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ચીનની અર્થવ્‍યવસ્‍થામાં ઝડપી રિકવરીને કારણે તેલની માંગમાં તેજી આવવાની આશા છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવાની સંભાવના છે.
સોમવારે, સંયુક્‍ત આરબ અમીરાતમાં એરપોર્ટ પર ડ્રોન હુમલાએ એક નવા સંકટને જન્‍મ આપ્‍યો છે, જેનાથી તેલ ઉત્‍પાદનને અસર થવાની ધારણા છે. બજારના નિષ્‍ણાતોનું કહેવું છે કે આ ઘટનાક્રમની વૈશ્વિક સ્‍તરે ક્રૂડ ઓઈલના ઉત્‍પાદન અને માંગ પર અસર પડશે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થવાનો છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે વિશ્વનો બીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ હોવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ભારત માટે મોટો પડકાર છે.
IIFL સિક્‍યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્‍ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્‍ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ઼૯૦ સુધી જઈ શકે છે. તેની અસર ભારતીય બજાર પર પણ પડશે. સ્‍થાનિક બજારમાં આગામી એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વધારો થઈ શકે છે. છેલ્લા બે મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્‍તરે બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘણી અસ્‍થિરતા જોવા મળી રહી છે.
૫ નવેમ્‍બર, ૨૦૨૧ના રોજ બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $૮૨.૭૪ પર હતું. ૧ ડિસેમ્‍બરે તે ઘટીને $૬૮.૮૭ પ્રતિ બેરલ પર આવી ગયો. ત્‍યારથી તેની કિંમતો વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્‍તરે, સિંગાપોરમાં લંડન બ્રેન્‍ટ ક્રૂડ ૦.૦૮ ટકા વધીને $૮૬.૧૩ પ્રતિ બેરલ અને યુએસ ક્રૂડ ૦.૩૧ ટકા વધીને $૮૪.૦૮ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.

 

(11:14 am IST)