Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ફેસબુક દ્વારા તાલીબાન ઉપર પ્રતિબંધ લાદી દેવાયો

અફઘાન પર કબજા બાદ તાલીબાનનો વિરોધ વધ્યો : યુએસના કાયદા હેઠળ તાલિબાન એક આંતકી સંગઠન હોઈ તેના પર બેન મુકવાયો હોવાની કંપનીની સ્પષ્ટતા

વોશિંગ્ટન, તા.૧૭ : તાલિબાને ભલે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હોય પણ ફેસબૂકે તેને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધુ છે. ફેસબૂક પ્રવક્તાનુ કહેવુ છે કે, અમેરિકાના કાયદા હેઠળ તાલિબાન એક આંતકી સંગઠન છે અને તેના કારણે તેના પર બેન મુકવામાં આવ્યો છે. ફેસબૂક તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયુ છે કે, અમારી નીતિ પ્રમાણે આતંકી સંગઠનને ફેસબૂક પર જગ્યા આપી શકાય નહીં.

આવામાં તાલિબાન અથવા તેની સાથે જોડાયેલા કોઈ પણ એકાઉન્ટ અને પોસ્ટને ફેસબૂક પર દર્શાવવામાં નહીં આવે. સાથે સાથે ફેસબૂકનુ કહેવુ છે કે, અમારી ટીમમાં અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા જાણકારોને પણ સામેલ કરાયા છે. તેમને પશ્તો અને ડારી ભાષા આવડે છે. જેથી તાલિબાન સમર્થનમાં કોઈ પોસ્ટ મુકવાનો પ્રયત્ન કરે તો તેના પર એક્શન લઈ શકાય.

ઉલ્લેખનીય છે કે, તાલિબાનના ઘણા પ્રવક્તા, નેતા સોશિયલ મીડિયા પર મોજૂદ છે અને તેમના માત્ર ફેસબૂક નહીં પણ ટ્વિટર અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એકાઉન્ટ છે. જેના પર તેઓ સતત નિવેદન આપી રહ્યા છે. હવે ફેસબૂકે તાલિબાન સામે પગલા ભર્યા છે ત્યારે ટ્વિટર કેવી કાર્યવાહી કરે છે તેના પર બધાની નજર છે.

(9:48 pm IST)