Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કર્મચારીઓ આનંદો :નિવૃત્તિની વયમર્યાદા વધારવા અને યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવા સરકારની યોજના

કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું 2000 રૂપિયાનું પેંશન એવું જોઈએ : પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિનું સૂચન : 50 વર્ષથી વધુ વયના લોકો માટે સ્કિલ ડેવલપમેન્ટની પણ વાત

નવી દિલ્હી : કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ દ્વારા એક સૂચન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કામ કરવા માટે લોકોની વય મર્યાદા વધારવી જોઈએ. આ સાથે પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિની વય વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.

રિપોર્ટ અનુસાર, આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું 2000 રૂપિયાનું પેન્શન આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે વધુ સારી વ્યવસ્થાની ભલામણ કરી છે.

આ અહેવાલ મુજબ, જો કાર્યકારી વયની આબાદી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની તીવ્ર જરૂર છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે સ્કિલ ડેવલપમેન્ટની પણ વાત કરવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આવી નીતિઓ બનાવવી જોઈએ જેથી કૌશલ્ય વિકાસ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રમાં રહેતા લોકો, દૂરના વિસ્તારો, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓનો પણ સમાવેશ થવો જોઈએ જેમની પાસે તાલીમ મેળવવાના સાધન નથી, પરંતુ તેમનું
ટ્રેન થવું જરૂરી છે.

નોંધનીય છે કે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 મુજબ વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્ત વર્ગમાં જશે. વર્ષ 2019 માં, ભારતની લગભગ 10 ટકા વસ્તી અથવા 140 મિલિયન લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.

(9:34 pm IST)