Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કચરો વીણનારી મહિલા બોલે છે ફાંકડુ અંગ્રેજી

ભણેલા-ગણેલા લોકોની બોલતી થઇ બંધ : જાપાનથી પરત ફરેલી આ મહિલાને બેંગલુરૂના રસ્તાઓ પર કચરો વીણવાનું કામ કેમ કરવું પડે છે એ એક સવાલ

નવી દિલ્હી,તા.૧૭: કહેવાય છે કે, દરેક ચમકનારી વસ્તુ સોનું નથી હોતી. તેવી જ રીતે કોઈના લુકને જોઈને તેના વિશે ધોરણા બાંધવી પણ ખોટી છે. જે દેખાઈ રહ્યું છે, તે સત્ય જ હોય એવું જરૂરી નથી. બેંગલુરુના રસ્તાઓ પર કચરો વીણનારી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાને જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આટલું સારું અંગ્રેજી તે કેવી રીતે બોલી શકે છે. સોશિયલ મીડિયા પર સચિના હેગર નામની મહિલાએ આ વીડિયો શૅર કર્યો છે. સચિનાએ જણાવ્યું કે, કામના સંબંધમાં રસ્તાથી પસાર થતી વખતે તેમની મુલાકાત કચરો વીણનારી આ મહિલા સાથે થયો. જ્યારે બંનેની વાતચીત શરુ થઈ તો તેમણે નોંધ્યું કે કચરો વીણનારી મહિલા ફાંકડું અંગ્રેજી બોલી શકે છે. તેણે અંગ્રેજીમાં જ સચિનાને પોતાના વિશેની વાતો જણાવી.

સચિના હેગરે આ વીડિયો રેકોર્ડ કર્યો પરંતુ મહિલાનું નામ પૂછવાનું રહી ગયું. આ મહિલાએ જણાવ્યું કે, તે ૭ વર્ષ સુધી જાપાનમાં રહીને આવી છે. ત્યાં તે એક ઘરમાં કામ કરતી હતી. જ્યારે લોકોને તેની જરૂર ન રહી તો તેને પરત મોકલી દીધી. ભારતમાં કોઈ કામ ન મળતાં તેણે રસ્તાના કિનારાથી કચરો વીણીને તેને વેચી ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. તેના માધ્યમથી જ તેનું ઘર ચાલે છે.

સચિના હેગરેએ લાંબા સમય સુધી આ મહિલા સાથે વાતચીત કરી. વાતચીતના ક્રમમાં જ્યારે સચિનાએ પૂછ્યું કે, શું તેઓ એકલા જ રહે છે તો જીસસ ક્રાઇસ્ટની તસવીર દર્શાવીને તેમણે કહ્યું કે, ભગવાન હોય તો કોઈ એકલું કેવી રીતે રહી શકે છે? આ વાતને સચિનાને ઇમોશનલ કરી દીધી. હવે સચિનાએ આ વીડિયો શેર કરીને લોકોને અપીલ કરી છે કે તેઓ આ મહિલાને શોધીને તેની મદદ કરે. લોકોને આ વીડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. દરેક વ્યક્તિ મહિલાનું અંગ્રેજી અને તેની વાતચીત કરવાની રીતથી પ્રભાવિત થઈ રહ્યા છે.

(3:42 pm IST)