Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહિનાના અંત પહેલા જ પૈસા વપરાય જાય છે? ૫૦/૩૦/૨૦નો નિયમ અપનાવોઃ નહીં થાય ખેંચાખેચ

બજેટ બનાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છેઃ પણ મોટાભાગના લોકોને બજેટ બનાવવું ખૂબ કંટાળાજનક લાગે છે

મુંબઈ, તા.૧૭: ઘણા લોકોનો પગાર કે આવક મહિનાના અંત પહેલા જ ખર્ચાઈ જાય છે. બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ પણ બચતું નથી. જેના કારણે આર્થિક કટોકટી સર્જાય છે. આવી સ્થિતિમાં મિત્રો કે સંબંધીઓ પાસે પૈસા ઉધાર લેવાની જરૂર પડે છે. અલબત્ત્।, દર મહિને ઉભી થતી આવી પરિસ્થિતિને રોકવા માટે તમે આગામી મહિનાથી શિસ્તબદ્ઘ ખર્ચ અને બચત કરવાનું નક્કી કરી શકો છો. આર્થિક કટોકટી ટાળવા માટે અહીં કેટલાક સૂચન આપવામાં આવ્યા છે. જેના થકી તમે રાતોરાત ધનવાન તો નહીં બની જાવ, પરંતુ આખર તારીખમાં પૈસાની ખેંચ નહીં થાય.

બજેટ બનાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પણ મોટાભાગના લોકોને બજેટ બનાવવું ખૂબ કંટાળાજનક લાગે છે. બજેટ બનાવવાનો મતલબ છે કે, તમારી પાસે જેટલા પૈસા છે તે બધાનો હિસાબ. તમારા પૈસા કયાંથી આવી રહ્યા છે અને કયાં જઈ રહ્યા છે, તેની તમને ખબર પડી જાય તો આખો હિસાબ સરળ થઈ જશે. તમને એકાએક આવી પડેલા ખર્ચની પણ ચિંતા રહેશે નહીં.

બજેટ બનાવવું સરળ છે. એક તરફ નિયમિત આવક, સંબંધીઓ પાસેથી લીધેલા નાણાં, તમારા ફ્રીલાન્સિંગથી મળેલા વળતર સહિતના આવકના તમામ સ્ત્રોતોની યાદી બનાવો. બીજી તરફ મકાન ભાડું, એમેઝોનની વિશલિસ્ટ, કોન્સર્ટ, કપડાંની ખરીદી, જન્મદિવસની ભેટની ખરીદી જેવા ખર્ચની નોંધ કરો. આ ઉપરાંત અચાનક આવી પડતા ખર્ચ માટે કેટલાક પૈસા અલાયદા રાખી દો.

આવી રીતે બજેટ બનાવવાનો સરળ રસ્તો છે. જેને ૫૦/૩૦/૨૦નો નિયમ કહેવામાં આવે છે. જેને અનુસરવાથી સારા પરિણામો મળી શકે છે. પહેલા તો ટેકસ કાપ્યા બાદ બચતી માસિક આવકને એક બાજુએ મુકો. દા.ત. ટેકસ કાપ્યા બાદ તમારી માસિક આવક રૂ. ૩૫,૦૦૦ છે. હવે આ રકમની ૫૦ ટકા એટલે કે રૂ. ૧૭,૫૦૦ તમારી જરૂરિયાત પાછળ ખર્ચવામાં આવશે. જેમાં તમારું ભાડું, વીજબીલ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, સુવિધાઓ પાછળનો ખર્ચ સહિતનું ગણવાનું રહેશે. આ ખર્ચમાં કાપ મૂકી શકાય તેમ નથી. જેથી સૌથી પહેલા આ ભાગ કાઢવો પડે.

હવે જો આ ખર્ચ તમે અલગ તારવેલી ૫૦ ટકા રકમ કરતા વધુ થતો હોય તો તમારી ઈચ્છીત વસ્તુ પાછળ ખર્ચ કરવાનું કેન્સલ કરો. પણ જો ખર્ચ ૫૦ ટકા રકમથી વધુ ન થયો હોય તો તમારી બચત અને રોકાણ બેગણું કરો. તેમજ તમારી જરૂરિયાત પર પણ ધ્યાન આપો.

કેટલાક લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેઓ તેમને ગમતી વસ્તુ અને જરૂરી વસ્તુ વચ્ચેના ભેદની ખબર હોતી નથી. જે વસ્તુ ગમતી હોય તે જરૂરી હોય જ તેવું શકય નથી. આવી સ્થિતિમાં લોકો વધારાના કપડાં કે જૂતાં પાછળ મસમોટો ખર્ચ કરે છે અને તે જરૂરી હોવાનું બહાનું આગળ ધરે છે. જેના કારણે ખર્ચ વધે છે. જો થોડા સમય પહેલા ખરીદેલો સ્માર્ટફોન વ્યવસ્થિત ચાલતો હોય તો નવો iPhone ખરીદવાની જરૂર નથી.

હવે આવકમાંથી બચેલા બીજા ૩૦ ટકા એટલે કે, રૂ. ૧૦,૫૦૦ની ઈચ્છા હોય તેવી વસ્તુ પાછળ વાપરવા અલગ કાઢો. આ રકમને તમે પોતાની ઈચ્છા અનુસાર ખર્ચી શકો છો. જોકે, ખર્ચ કરતા પહેલા ધ્યાન રાખો કે જે વસ્તુ પાછળ ખર્ચ થાય છે તે તમારી માટે મૂલ્યવાન છે કે નહીં. જો તે મૂલ્યવાન હોય તો જ ખર્ચ કરો. લોકોની ઈચ્છાઓ અલગ અલગ હોય શકે છે. કોઈ નાઈટ કલબમાં વાપરે છે તો કોઈ પ્રવાસ- મુસાફરી પાછળ ખર્ચ કરે છે. અમુક લોકો નવા-નવા ગેજેટ વસાવે છે. આ ૩૦ ટકામાંથી તમે અણધાર્યા ખર્ચનો હિસ્સો પણ અલગ રાખી શકો છો.

આ બાબતે પર્સનલ ફાઈનાન્સના નિષ્ણાત નેમા છાયા બુચનું કહેવું છે કે, જરૂરિયાતો, ઇચ્છાઓ અને કામનાઓ વચ્ચેના તફાવતોને સમજવા જરૂરી છે. બજેટ તૈયાર કરવાની આદત જાળવી રાખો અને બજેટને વળગી રહો. ફાઇનાન્શિયલ પ્લાન જાતે અથવા પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝરની સહાયથી તૈયાર કરો અને યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવો. નાની ઉંમરે બજેટ બનાવવું બોજારૂપ લાગે છે, પરંતુ જેમ મોટા થશો તેમ તમારા અને પરિવાર માટે રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે, ઇચ્છાઓની પૂર્તિ કરનાર ખર્ચ માટે લોકો મોટાભાગે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કેશબેક અને રિવોર્ડ જેવી ઓફર લોકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા લલચાવે છે. ક્રેડિટ કાર્ડના વધુ ઉપયોગથી તમારું બજેટ ડામાડોળ થઇ શકે છે. અધૂરામાં પૂરું જો યોગ્ય સમયે નાણાં ચુકવવામાં ન આવે તો તેનું વ્યાજ અને પેનલ્ટી વધુ ગંભીર નાણાંકીય સ્થિતિ ઉભી કરી શકે છે.

નેમા છાયા બુચે વધુમાં ઉમેર્યું કે, તમારા ક્રેડિટ કાર્ડ પર પર્સનલ લોન સૌથી મોંદ્યી છે. તેથી તેનાથી દૂર રહેવું. ઉપરાંત જો તમે તે ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ ન કરતા હોવ તો તમારા નામે એકથી વધુ ક્રેડિટ કાર્ડ લેવાની સલાહ આપવામાં આવતી નથી. આવું કરવાથી ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થવાની સાથે ક્રેડિટ લિમિટમાં વધારો તમારા ખર્ચના સેલ્ફ કંટ્રોલ પર પણ અસર કરે છે. દ્યણા ક્રેડિટ કાર્ડ ખરીદી પર રિવોર્ડ પોઇન્ટ આપે છે. પરંતુ આવા પોઇન્ટ લેવા માટે ખરીદી કરવી હિતાવહ નથી.

હવે બાકી વધેલી ૨૦ ટકા આવક એટલે કે, રૂ. ૭૦૦૦ની બચત, મૂડીરોકાણ કે દેવું ચૂકવવા વાપરો. રોકાણ માટે SIPનો ઉપયોગ કરી શકો છો. જેમાં દર મહિને અમુક રકમ જમા કરતા જાઓ. યાદ રાખો કે, બચત અને રોકાણમાં દ્યણો તફાવત છે. દા.ત. જો તમે ૧૦ વર્ષ સુધી દર મહિને રૂ.૭૦૦૦ની બચત કરો તો તમારી કુલ બચત રૂ. ૮,૪૦,૦૦૦ થશે. પણ જો તમે આ રકમ બજારમાં રોકાણ કરશો તો ૧૨ ટકાના વળતર તરીકે તમને રૂ. ૧૬,૨૬,૩૭૪ મળશે. એટલે કે, રૂ. ૮,૪૦,૦૦૦ પર રૂ. ૭,૮૬,૩૭૪નું રિટર્ન મળશે.

જેથી બજેટ બનાવવા કે રોકાણ કરવા માટે યોગ્ય સમયની રાહ ન જુઓ. આ બાબતે પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝર સંજીવ દવારની વાત યાદ રાખો, 'પહેલા પગારથી જ પર્સનલ ફાઈનાન્સ જર્નીની શરૂઆત કરો.'

(3:40 pm IST)