Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રક્ષાબંધનના તહેવાર ટાણે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો

ભારતમાં અફઘાનિસ્તાનની બદામ, અંજીર, પિસ્તાની ઘણી માગ છેઃ જોકે ૧૫-૨૦ દિવસથી માલ ન આવતા ભાવ વધ્યા : તહેવાર ટાણે અઠવાડિયામાં પ્રતિ કિલો રૂ.૨૦૦-૨૫૦ ભાવ વઘ્યો

મુંબઇ, તા.૧૭: અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી સ્થિતિના કારણે માત્ર રાજકીય નહીં પરંતુ અન્ય કેટલીક અસર પણ ભારતને પડી શકે છે. દેશમાં હવે તહેવારોની શરુઆત થઈ ગઈ છે, આવામાં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને તે પછી દિવાળી એમ એક પછી એક તહેવારો આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અફદ્યાનિસ્તાનમાં ઉભી થયેલા સ્થિતિના કારણે સૂકા મેવા (ડ્રાય ફ્રૂડ)ની માંગ પર અસર થશે અને ભાવમાં પણ વધારો થયો છે.

અફઘાનિસ્તાનથી ભારતમાં ડ્રાય ફ્રૂટ્સમાં મુખ્યત્વે બદામ, અંજીર, પિસ્તા આવે છે, જોકે, અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી સ્થિતિના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. ડ્રાય ફ્રૂટ રિટેલર્સ એસોસિએશન જમ્મુના અધ્યક્ષ જયોતિ ગુપ્તા જણાવે છે કે, ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં એક અઠવાડિયામાં ૨૦૦-૨૫૦૦ રૂપિયા પ્રતિકિલો વધારો થયો છે. ૧૫-૨૦ દિવસથી અફદ્યાનિસ્તાનથી ડ્રાય ફ્રૂટ્સનો કોઈ માલ નથી આવ્યો, રક્ષાબંધન આવી રહી છે અને વરસાદની સિઝન છે માટે ડ્રાય ફ્રૂટ્સની માંગ હજુ વધશે.

હાલ દેશમાં રક્ષાબંધનની તૈયારીઓ ચાલી રહી છે, આવામાં ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં વધારો થવાથી મીઠાઈના ભાવ પર પણ અસર પડવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. જેમાં ખાસ કરીને અંજીર રોલ, બદામ-પિસ્તા વગેરે મીઠાઈઓના ભાવમાં વધારો થવાની સંભાવના વધુ છે.

રક્ષાબંધનના તહેવારમાં દ્યર માટે ડ્રાય ફ્રૂટ્સની ખરીદી વધી જતી હોય છે, આવામાં અફદ્યાનિસ્તાનમાં ઉભી થયેલી સ્થિતિની અસર માર્કેટ પર પડવાની શરુ થઈ ગઈ છે. જો આગામી સમયમાં સ્થિતિમાં સુધારો ના આવ્યો તો ભારતે આ માટે કોઈ બીજો માર્ગ શોધવો પડશે. કારણ કે શિયાળાની ઋતુમાં દેશમાં સારા પ્રમાણમાં ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ થાય છે. ભારતમાં જમ્મુ-કાશ્મીરથી પણ ડ્રાય ફ્રૂટ્સ આવતા હોય છે હવે અહીં ભાવમાં વધારો થવાના કારણે તેની અસર દેશના અન્ય રાજયોમાં પણ પડી શકે છે, જમ્મુ કાશ્મીરમાં એક વ્યકિત જણાવે છે કે, થોડા દિવસો પહેલા ખરીદી કરી હતી, જેના કરતા આજે ભાવ બમણા થઈ ગયા છે. બજારમાં આ પ્રકારનો ઉછાળો સામાન્ય ગ્રાહકોના બજેટની બહારનો છે.

(3:39 pm IST)