Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઓર્ડર લીધો ,રકમ વસુલ કરી ,પણ વસ્તુ ન મોકલી : ગ્રાહક સાથે છેતરપિંડી કરવાના આરોપસર એમેઝોન વિરુદ્ધ ફરિયાદ

મહારાષ્ટ્ર કોર્ટે એમેઝોનના ભારત ખાતેના વાઇસ પ્રેસિડન્ટને સમન્સ મોકલ્યું

મુંબઈ : ઓર્ડર લીધા પછી તેમજ તે માટેના નાણાં પણ વસુલ કર્યા બાદ વસ્તુ ન મોકલી છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈના એક વકીલ અમૃતપાલ સિંહ ખાલસાએ ઉલ્હાસનગર મેજિસ્ટ્રેટ સમક્ષ દાવો દાખલ કર્યો છે. આથી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરની મેજિસ્ટ્રેટ કોર્ટે છેતરપિંડીના ગુના માટે એમેઝોન ઈન્ડિયાના ઉપપ્રમુખ અમિત અગ્રવાલને સમન્સ જારી કર્યું છે.

ખાલસાએ દાવો કર્યો હતો કે તેને એમેઝોન દ્વારા ઓર્ડર કરેલી પ્રોડક્ટ મળી નથી. તેમણે પોતાની અરજીમાં રજૂઆત કરી હતી કે પ્રોડક્ટ ન મળવા અંગે ઇમેઇલ દ્વારા ફરિયાદો કરવા  છતાં, તેમને ન તો સંતોષકારક પ્રતિસાદ મળ્યો કે ન તો ચૂકવેલ રકમ પરત મળી.

જ્યારે વકીલે ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો તો પોલીસે તેની ફરિયાદ પર એફઆઈઆર નોંધવાની ના પાડી.  તેના કારણે, તેને ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) હેઠળ FIR નોંધવા માટે ફોજદારી ફરિયાદ સાથે ઉલ્હાસનગરના ન્યાયિક મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.

ખાલસાએ મુંબઈની કન્ઝ્યુમર કોર્ટનો પણ સંપર્ક કર્યો છે જેણે એમેઝોન ઇન્ડિયા અને થર્ડ પાર્ટી સેલરને નોટિસ ફટકારી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)