Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

મહારાષ્ટ્ર સરકારે પૂર્વ ઉર્જામંત્રી ચંદ્રશેખર બાવનકુલેના કાર્યકાળમાં થયેલા કામોની તપાસના આદેશ આપ્યા

આદેશ બાદ બાવનકુલેની મુશ્કેલીઓ વધી શકે :ચંદ્રશેખર બાવનકુલે 2014 થી 19 સુધી ઉર્જા મંત્રી હતા

મહારાષ્ટ્રમાં ભાજપ અને મહા વિકાસ આઘાડી સરકાર વચ્ચેનો વિવાદ હવે વધી રહ્યો છે. ભાજપનો એવો આરોપ છે કે, રાજ્ય પોલીસ દળ અને વહીવટીતંત્રનો દુરુપયોગ કરીને મહા વિકાસ આઘાડી સરકારે નારાયણ રાણે અને નિતેશ રાણેની ધરપકડ કરાવી હતી. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ, દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ પોલીસે માહિતી લીક કરવાને લઈને પૂછપરછ કરી હતી અને તેમને આરોપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મુંબઈ બેંક કૌભાંડના સંબંધમાં ફોર્ટના એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં પ્રવિણ દરેકર સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે ઠાકરે સરકારે ચંદ્રશેખર બાવનકુલે સામે તપાસનો આદેશ આપ્યો છે, જેમને ભાજપનો ઓબીસી ચહેરો કહેવામાં આવે છે.

 મહા વિકાસ આઘાડી સરકારના નેતાઓનું કહેવું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદથી ભાજપે અનિલ દેશમુખ, નવાબ મલિક જેવા નેતાઓની ધરપકડ કરાવી. દબાણ હેઠળ સંજય રાઠોડનું રાજીનામું લેવામાં આવ્યુ. અજિત પવારની બહેનના ઘર સુધી દરોડા પાડવામાં આવ્યા હતા.વાત અહી સુધી અટકી ન હતી.કિરીટ સોમૈયા અને મોહિત કંબોજ જેવા ભાજપના નેતાઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અનિલ પરબ અને સંજય રાઉતને તપાસની જાળમાં ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

 

સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે પૂર્વ ઉર્જા મંત્રી ચંદ્રશેખર બાવનકુલેના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની તપાસના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ બાવનકુળેની મુશ્કેલીઓ વધી શકે છે. ચંદ્રશેખર બાવનકુલે 2014 થી 2019 સુધી ઉર્જા મંત્રી હતા. આ પાંચ વર્ષમાં ઠાકરે સરકારે બાવનકુલેના તમામ કામોની તપાસના આદેશ આપ્યા છે.

આ રીતે, ચંદ્રશેખર બાવનકુલેના ઊર્જા મંત્રી તરીકેના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારની વીજળી કંપની મહાવિતરણ (MSEB)ના પાંચ વર્ષના કામોની તપાસ થવા જઈ રહી છે. આ માટે ત્રણ લોકોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી એક મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.

આ દરમિયાન, મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સંબંધિત બોગસ લેબર કેસમાં ફોર્ટ નજીકના એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમની સામે નોંધાયેલ કેસ રદ્દ કરાવવા માટે પ્રવીણ દરેકર હાઈકોર્ટમાં પહોંચ્યા છે. મંગળવારે આમ આદમી પાર્ટીના નેતાની ફરિયાદ પર નોંધાયેલા આ કેસમાં તેના પર આરોપ છે કે, મજુર ન હોવા છતા પણ તેમણે પોતાને મજુર ગણાવ્યા અને મજૂર મહાસંઘના પ્રમુખની ચૂંટણી જીતીને 20 વર્ષ સુધી સરકાર સાથે છેતરપિંડી કરી.

(1:06 am IST)