Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમિતાભની ‘દિવાર’ બની વિરોધનું કારણ : મનસેએ ઘર બહાર પોસ્ટર લગાવી કર્યો વિરોધ

બીગ બી તમારું મોટું હૃદય બતાવો”. અંધેરી પશ્ચિમના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા મહેશ ધુરીએ પોસ્ટર લગાવ્યા

મુંબઈ :બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘર ‘પ્રતીક્ષા’ બંગલો બહાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ પોસ્ટર લગાવી બીગ-બીનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અમિતાભ બચ્ચનના ઘર બહાર પોસ્ટર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે “બીગ બી તમારું મોટું હૃદય બતાવો”. અંધેરી પશ્ચિમના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા મહેશ ધુરીએ આ પોસ્ટર લગાવ્યા છે.અંધેરી પશ્ચિમના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા મહેશ ધુરીએ આ પોસ્ટર લગાવ્યા છે.

  હકીકતમાં અમિતાભના ઘર બહાર થયેલા આ વિરોધનું કારણ અમિતાભની ‘દિવાર’ છે, આ તેમના ફિલ્મ નહિ પણ તેમના બંગલાની એક દીવાલને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંત જ્ઞાનેશ્વર માર્ગ પર આવેલા અમિતાભના પ્રતીક્ષા બંગલોથી થઈને જતો રોડ BMC દ્વારા પહોળો કરવામાં આવી રાહ્યો છે અને આમાં પ્રતીક્ષા બંગલોની એક દીવાલને તોડવી પડે એમ છે.પરંતુ આના માટે અમિતાભ બચ્ચન તરફથી BMC ને સહકાર મળી રહ્યો નથી, જેને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વિરોધ કર્યો છે.

  અમિતાભ બચ્ચનના ઘરની સામે દરરોજ ટ્રાફિક જામ રહે છે. તેથી BMC અમિતાભના બંગલાની બાજુના માર્ગને 60 ફૂટ સુધી પહોળો કરવા માંગે છે, હાલમાં આ રસ્તાની પહોળાઈ 45 ફૂટ છે. આ અગાઉ વર્ષ 2017 માં BMC એ અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી હતી, પરંતુ બિગ-બીએ આ નોટિસનો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.

  આ રસ્તા પહોળા કરવાના કામમાં બે બંગલા આડા આવી રહ્યા છે. એક અમિતાભ બચ્ચનનો પ્રતીક્ષા બંગલો, અને બીજો ઉદ્યોગપતિ કે.વી. સત્યમૂર્તિનો બંગલો. સત્યમૂર્તિના બંગલાનો મોટો ભાગ રસ્તો પહોળો કરવામાં અડચણરૂપ બન્યો છે. BMC એ તેમણે નોટીસ આપી હતી, જેને તેઓએ સ્થાનિક કોર્ટમાં પડકારી હતી. કોર્ટે સ્ટે આપતા BMC એ કામ રોકવું પડ્યું હતું. ગયા વર્ષે કોર્ટે સ્ટે હટાવી લેતા BMCએ ઉદ્યોગપતિ કે.વી. સત્યમૂર્તિના બંગલાનો એ ભાગ તોડી નાખ્યો. પરંતુ અમિતાભનો બંગલો હજી સુધી આપ્યો નથી.

(6:35 pm IST)