Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મધ્યપ્રદેશમાં કાળિયારનાં શિકારીઓએ મચાવી કત્લેઆમઃ SI સહિત ત્રણ પોલીસ અધિકારીઓને ગોળીથી વીંધી નાખ્યા

ગુના જિલ્લામાં મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૩ પોલીસ કર્મચારીઓના મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવાસસ્થાને ઈમરજન્સી બેઠક બોલાવી


ભોપાલ, તા.૧૪: મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૩ પોલીસ કર્મચારીઓના મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવાસસ્થાને ઈમરજન્સી બેઠક બોલાવી છે.
મળતી માહિતી મુજબ ગુનાના આરોન વિસ્તારના જંગલમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક એસઆઈ અને બે કોન્સ્ટેબલના મોત થયા હતા. સાથે જ ડ્રાઈવરને પણ ઈજા થઈ છે. એન્કાઉન્ટર પાછળના કારણ વિશે હાલ કોઈ અધિકારી કંઈપણ કહેવા તૈયાર નથી.
જો કે, કાળિયાર શિકાર કેસમાં પોલીસ કર્મીઓ શિકારીઓની શોધખોળ કરવા ગયા હોવાની ચર્ચા છે. જયાં શિકારીઓએ ગુપ્ત રીતે તેમના પર ગોળીબાર કર્યો હતો. સાંભળીને પણ દુખ થાય એ હદે હત્યામાં ૧૨ થી ૧૫ ગોળીઓ એક મૃતદેહને વાગી છે.
એન્કાઉન્ટરમાં SI રાજકુમાર જાટવ, કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ, કોન્સ્ટેબલ સંતરામનું મોત થયું હતું. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં ગૃહ પ્રધાન નરોત્ત્।મ મિશ્રા, મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બૈસ, DGP વર્ચ્યુઅલ રીતે બેઠકમાં હાજરી આપશે, એડીજી ઈન્ટેલિજન્સ, મુખ્ય સચિવ ગૃહ, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજરી આપશે. આ ઉપરાંત ક્રાઇમ બ્યુરોના વરિષ્ઠ અધિકારીઓ પણ વર્ચ્યુઅલ મીટિંગમાં જોડાશે.

 

(11:18 am IST)