Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

કરણી સેનાના સુપ્રીમો લોકેન્‍દ્રસિંહ કાલવીનું ૮૦ વર્ષની વયે નિધન

રાજપૂત સમાજમાં શોકની લાગણી

જયપુર તા. ૧૪ : કરણી સેનાના ટોચના સ્‍થાપક અને રાજપૂત સમાજના કોહિનૂર લોકેન્‍દ્ર સિંહ કાલવીનું નિધન થયું છે. લાંબા સમયથી લોકેન્‍દ્રસિંહ કાલવી ઘણા સમયથી બીમાર હતા અને એમની સારવાર જયપુરની સવાઈ માન સિંહ હોસ્‍પિટલમાં ચાલી રહી હતી. આ બધા વચ્‍ચે ગઇકાલે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્‍યે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્‍યુ થયું હતું.

નોંધનીય છે કે રાજપૂત સમાજના મુખ્‍ય સ્‍તંભ કહેવાતા લોકેન્‍દ્રસિંહ કાલવીના નિધનથી જઅને સમાજના લોકો પર દુઃખનો પહાડ તૂટી પડ્‍યો છે. આ સમાચાર બહાર આવતા આજે દરેક વ્‍યક્‍તિની આંખો ભીની છે જેમને કાલવી સાહેબનો સમાજ માટેનો સંઘર્ષ અને સમર્પણ જોયું છે. લોકેન્‍દ્ર સિંહ કાલવીના મોત બાદ કરણી સેનાના કાર્યકરો મોડી રાત્રે એસએમએસ હોસ્‍પિટલ પહોંચવા લાગ્‍યા હતા. જે બાદ અલસુબા એમના મૃતદેહને નાગૌર જિલ્લાના ગામ કાલવી લઈ ગયા. આજે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે.

રાજસ્‍થાનના નાગૌર જિલ્લાના કાલવી ગામના રહેવાસી લોકેન્‍દ્ર સિંહ કાલવીના પિતા કલ્‍યાણ સિંહ કાલવી પણ રાજસ્‍થાન અને કેન્‍દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્‍યા છે. સતી આંદોલનમાં સક્રિય રહેલા કાલવી માનતા હતા કે તેઓ રાજનેતા પછી હતા પહેલા રાજપૂત હતા. પિતાની જેમ લોકેન્‍દ્રસિંહ કાલવી પણ સક્રિય રહ્યા. જણાવી દઈએ કે કાલવીના ભાજપ, કોંગ્રેસ અને જનતા દળના ઘણા મોટા લોકો સાથે સારા સંબંધો હતા.

નોંધનીય છે કે લોકેન્‍દ્ર સિંહ કાલવીએ ૨૦૦૬માં જગતજનની કરણી માતાના નામે કરણી સેનાનો પાયો નાખ્‍યો હતો અને વર્ષ ૨૦૦૮માં કરણી સેનાના વિરોધને કારણે જોધા-અકબર ફિલ્‍મ રાજસ્‍થાનમાં રિલીઝ થઈ શકી ન હતી. આ સિવાય કરણી સેનાએ ૨૦૦૯માં સલમાન ખાનની ફિલ્‍મ ‘વીર'નો પણ વિરોધ કર્યો હતો. વર્ષ ૨૦૧૮માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્‍મ ‘પદ્માવત'નો પણ જોરદાર વિરોધ કર્યો હતો.

(11:01 am IST)