Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

૩ દાયકા સાથે રહ્યા બાદ દાઉદ - છોટા શકિલ છુટા પડયા

અંધારી આલમમાં પડી તિરાડઃ દાઉદ - છોટા શકિલ વચ્ચે ઝઘડો થયાનો ખુલાસોઃ બંનેના ઝઘડાથી પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ ચોંકી

કરાંચી તા. ૧૩ : વર્ષો સુધી એકબીજાની સાથે રહી દહેશત અને વસૂલીને અંજામ આપનાર દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલ હવે અલગ થઇ ચૂકયા છે. ભારતના ઇન્ટેલિજન્સ અધિકારીના એક સૂત્રે આ અંગે માહિતી આપી છે. અધિકારીના મતે શકીલ અને દાઉદના રસ્તા હવે અલગ થઇ ગયા છે. શકીલ ૧૯૮૦ની આસપાસ મુંબઇ છોડ્યા બાદ દાઉદની સાથે કરાચીના રેડકિલક એરિયામાં રહેતો હતો. હવે તેણે તેનું ઘર બદલી નાંખ્યું છે અને હાલ તે કયાં છે તેની કોઇને ખબર નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં દાઉદ અને શકીલ વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો તેના લીધે બંને અલગ થઇ ગયા છે. બંનેની વચ્ચે તાજેતરમાં જ દાઉદના બે નાના ભાઇ અનીસની ગેંગના વેપારમાં હસ્તક્ષેપ કરવાને લઇ જબ્બર ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ જ શકીલ અલગ થઇ ગયો છે તેવું મનાઇ રહ્યું છે. દાઉદનો ખાસ માણસ કહેવાતો અને તેના નજીકના લોકોમાંથી એક શકીલ છેલ્લાં ત્રીસ વર્ષથી તેની સાથે જ છે. બંને સાથે મળીને ગેંગ ચલાવે છે. હાલ શકીલની ઉંમર ૫૦ વર્ષની આસપાસ હશે.

સૂત્રોનું કહેવું છે કે અનીસ પાકિસ્તાનમાં દાઉદની સાથે જ રહે છે અને પહેલાં પણ કેટલીય વખત તેણે ગેંગના કામમાં હાથ વધારવાના બ્હાને દાઉદની નજીક જવાની કોશિષ કરી છે. સૂત્રોના મતે દાઉદ એ હંમેશાથી પોતાના ભાઇઓને ગેંગમાં વધુ દખલ કરતાં રોકયા છે, પરંતુ તાજેતરમાં જ એક મીટિંગમાં શકીલ અને દાઉદની વચ્ચે અનીસને લઇ બબાલ થઇ હતી. દાઉદે શકીલને ગેંગથી દૂર રહેવાનું કહ્યું અને દુબઇમાં કેટલાંક ખાસ લોકો સાથે મીટિંગ કરી. શકીલે પણ બીજા કોઇ ઇસ્ટર્ન એશિયન દેશમાં પોતાના ખાસ માણસો સાથે મીટિંગ કરી છે.

ઇન્ટેલિજન્સ બ્યુરોના સૂત્રોનું કહેવું છે કે દાઉદ અને શકીલની વચ્ચે થયેલ ઝઘડાથી પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે જો ગેંગ તૂટે છે તો ભારતની વિરૂદ્ઘ થનાર ગતિવિધિઓને અંજામ આપી શકે છે. ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં ધડાકામાં દાઉદનો હાથ હતો અને શકીલ પણ ધડાકાને અંજામ આપવામાં મુખ્ય આરોપી છે.

સૂત્રોનું એમ પણ કહેવું છે કે મુંબઇ, દુબઇ, અને પાકિસ્તાનમાં પણ હજુ ગેંગના કેટલાંક ખાસ લોકોને જ આ અંગેની માહિતી છે. મુંબઇમાં હાજર ગેંગના પસંદગીના સભ્યો માટે પણ હાલ અસમંજસ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી મુંબઇમાં ગેંગ મેમ્બર છોટા શકીલના આદેશને જ દાઉદનો આદેશ માનતા હતા અને તે મુજબ જ કામ કરતાં હતા. હવે મુંબઇના ગેંગસ્ટર્સને મુશ્કેલી છે કે તે કોને પોતાના બોસ માને.

(10:33 am IST)