Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમેરિકામાં ફાયરીંગની વધતી જતી ઘટનાઓ સામે લોકોનો ભારે રોષ: પ૦ હજાર લોકોએ વોશિંગ્‍ટનમાં સુત્રોચ્‍ચાર કરીને કડક કાયદો બનાવવા માંગ

બાળકોના ભવિષ્‍ય માટે ગન રિફોર્મની વ્‍યાપક માંગ ઉઠી

ન્‍યુયોર્ક : અમેરિકામાં વધતી જતી ફાયરીંગની ઘટનાઓ સામે ભારે રોષ વ્‍યાપ્‍યો છે અને ગન કંટ્રોલ કાયદો બનાવવા માંગ ઉઠી છે.

લાખો લોકોએ દેશભરમાં ગન કંટ્રોલની માગણી સાથે દેખાવો કર્યા હતા. વૉશિંગ્ટનમાં ૫૦ હજાર લોકોએ સૂત્રોચ્ચાર કરીને કડક કાયદો બનાવવાની રજૂઆત કરી હતી. ગન રિફોર્મ નામના સૂત્ર સાથે અમેરિકાના ૩૦૦ જેટલા સ્થળોએ દેખાવો શરૃ થયા હતા. અમેરિકામાં ટેક્સાસ, બફેલો, ન્યૂયોર્ક, ઉવાલ્ડે વગેરેમાં ફાયરિંગની ઘટનાઓ પછી આખા અમેરિકામાં બંદૂકો ઉપર પ્રતિબંધ મૂકવા કે પછી ગન કંટ્રોલ કરવાનો કાયદો લાવવાની માગણી ઉઠી છે. આપણાં જીવન માટે એક રેલી એવા હેતુ સાથે વૉશિંગ્ટનમાં ૫૦ હજાર લોકોએ દેખાવો કર્યા હતા. એમાં બાળકો અને ટીનેજર્સની સંખ્યા નોંધપાત્ર હતી. સ્કૂલમાં થયેલા શૂટિંગ પછી બાળકોના ભવિષ્ય માટે ગન રિફોર્મની વ્યાપક માગણી ઉઠી છે.

રેલી યોજતા સંગઠન માર્ચ બોર્ડના ચેરમેને કહ્યું હતું કે વૉશિંગ્ટન ઉપરાંત પણ દેશભરમાં ૩૦૦ સ્થળોએ રેલી યોજાશે. ગન કંટ્રોલ કરવાની માગણી ફરીથી ઉઠી છે અને એ માટે હવે સાંસદોએ લોકોના મતને ધ્યાનમાં રાખવો પડશે. દેખાવકારોએ આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓ લોકહિતમાં એકમત થાય. નહીંતર હવે પછીની ચૂંટણીમાં ગન રિફોર્મનો વિરોધ કરનારા નેતાઓ ન ચૂંટાય તે માટે પણ કેમ્પેઈન ચલાવીશું. શૂટિંગમાં જે અમેરિકનોએ સ્વજનો ગુમાવ્યા છે તેમણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકાના નેતાઓ ગન લોબીને બદલે લોકોની માગણીને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરે. અમેરિકાના નીચલા ગૃહમાં ગન કંટ્રોલ બિલ પસાર થઈ ગયું છે, પરંતુ રિપબ્લિન પાર્ટીની બહુમતી ધરાવતા ઉપલા ગૃહમાં બિલ પાસ થાય એવી શક્યતા નથી. એવી સ્થિતિમાં તેમના પર દબાણ ઉભુ કરવા અમેરિકાના નાગરિકોએ પ્રદર્શનો શરૃ કર્યા છે. ૨૦૧૮થી આ સંગઠન ગન કંટ્રોલના કાયદા માટે પ્રદર્શનો કરે છે. અગાઉ થયેલા પ્રદર્શનો વખતે પોલીસે બળપ્રયોગ અને ફાયરિંગ પણ કર્યું હતું.

(12:00 am IST)