Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દિલ્હીમાંથી પાકિસ્તાની ત્રાસવાદી ઝડપાયો

પાટનગરને ધણધણાવવાનો હતો કારસોઃ ત્રાસવાદી પાસેથી એ.કે. ૪૭ અને હેન્ડગ્રેનેડ મળી આવ્યા

નવી દિલ્હી, તા. ૧૨ :. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક પાકિસ્તાની ત્રાસવાદીની ધરપકડ કરી છે. જે દિલ્હીને હચમચાવવાની તૈયારીમાં હતો. તેની પાસેથી એ.કે. ૪૭ અને હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. આ ત્રાસવાદીને આઈએસઆઈએ ભારત પર હુમલો કરવા મોકલ્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે ૯.૨૦ કલાકે મોહમદ અસરફ ઉર્ફે અલી નામના એક પાકિસ્તાની શખ્સને દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી પકડી લેવામા આવ્યો હતો તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો છે.

તે ભારતીય નાગરીક બનીને રહેતો હતો. તેણે પોતાનું ખોટુ નામ મહમદ નુરી રાખ્યુ હતુ અને તેણે ખોટુ આઈડી કાર્ડ પણ બનાવ્યુ હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં મોટો હુમલો કરવાના પ્રયાસમાં તે હતો. તેને આઈએસઆઈએ શસ્ત્રો ચલાવવાની તાલીમ આપી હતી તે પછી તે નેપાળના માર્ગે ભારતમાં દાખલ થયો હતો.

તેની પાસેથી એક હેન્ડબેગ, બે મોબાઈલ ફોન પણ જપ્ત થયા છે. તેની સામે અનેક કલમો લગાવવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે.

(11:35 am IST)