Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

બેન્નૂ નામનું એક એસ્ટરોઇડ્સ પૃથ્વી સાથે ટકરાઈ શકે: મોટા પ્રમાણમાં વિનાશ નોતરશે : નાસાની ચેતવણી

24 સપ્ટેમ્બર, 2182 નો દિવસ ખતરનાક : ન્યૂ યોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલું મોટું બેન્નૂ નામનું એક એસ્ટરોઇડ્સ

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, ન્યૂ યોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલું મોટું બેન્નૂ નામનું એક એસ્ટરોઇડ્સ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. પરંતુ આ વિશે, નાસાએ હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે અને તે ક્યારે થવાની સંભાવના છે તે અંગે પણ જણાવ્યું છે. બેન્નૂ પૃથ્વી સાથે ટકરાવાની શક્યતા અંગે, હવે જાણવા મળ્યું છે કે વર્ષ 2300 સુધીમાં તેની સંભાવના 1,750 માં એક છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિક ડેવિડ ફાર્નોચિયા, કે જેમણે 17 અન્ય વૈજ્ઞાનિકો સાથે મળીને પૃથ્વીની નજીકનાં એસ્ટરોઇડ્સ (101955) બેન્નૂના જોખમના મૂલ્યાંકન અંગે અભ્યાસ લખ્યો હતો, તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે તેની અસરની સંભાવના હજુ ઓછું છે, તેમણે કહ્યું કે હું પહેલા કરતાં બેન્નૂની વધુ ચિંતા કરતો નથી. અસરની સંભાવના ખરેખર ખૂબ ઓછી છે. OSIRIS-REx ની મદદથી બેન્નૂ પર તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, આ એસ્ટરોઇડ્સ 2135 સુધીમાં પૃથ્વીના 125,000 માઇલની અંદર આવશે, જે પૃથ્વીથી ચંદ્રનું લગભગ અડધું અંતર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અહીં ચોક્કસ અંતર મહત્વનું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 24 સપ્ટેમ્બર, 2182 નો દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે, બેન્નૂ પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના માત્ર 0.037 ટકા છે. તેમણે ખાતરી પણ આપી છે કે તે વિલુપ્ત થવા જેવી ઘટના નહીં હોય, પરંતું વિનાશ મોટા પ્રમાણમાં થઇ શકે છે. નાસામાં ગ્રહ સંરક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા લિન્ડલી જોહ્ન્સનનું કહેવું છે કે ક્રેટરનો આકાર વસ્તુનાં આકારનાં 10 થી 20 ગણો હશે.

(11:21 pm IST)