Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વિરડા વાજડીઃ ઓરડીમાં વહેલી પરોઢે આગ ભભૂકી : ૮ દાઝી ગયા : ૩ ગંભીર

૧૯ થી ૫૨ વર્ષના કર્મચારીઓ અલગ અલગ હોટેલમાં વેઇટર-સર્વિસ સ્ટાફ-કેટરર્સ તરીકે કામ કરે છેઃ સવારે સાડા પાંચેક વાગ્યે ભડકો થયોઃ આગને કારણે અંદરથી દરવાજો ખોલવામાં સમય લાગી ગયોઃ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો : રાજસ્થાનના ડુંગરપુરના વતનીઃ દરવાજો બહારથી બંધ હોવાનું દાઝેલા અમુકનું રટણઃ લાતો મારી બૂમો પાડતાં નજીકની બીજી ઓરડીમાં રહેતાં કર્મચારીઓએ બહારથી દરવાજો ખોલ્યોઃ તમામ સિવિલ હોસ્પિટલમાં દાખલઃ શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું પોલીસનું પ્રાથમિક તારણઃ એફએસએલની મદદ લેવાઇ

આગે દઝાડ્યાઃ કાલાવડ રોડ પરના વિરડા વાજડીમાં જ્યાં આગ ભભૂકી એ ભાડાની રૂમ, અંદર બળી ગયેલા ગાદલા ગોદડા સહિતની ઘરવખરી, ગેસનો ચુલો-ગેસનો બાટલો, બળી ગયેલો પંખો, રૂમની બારી પાસે સળગેલા કપડા-થેલા સહિતનો સામાન તથા નીચેની તસ્વીરોમાં પીઆઇ જે.વી. ધોળા સહિતના સ્ટાફ સમક્ષ વિગતો જણાવતાં આસપાસની અન્ય ઓરડીઓમાં રહેતાં લોકો તથા નીચેની તસ્વીરોમાં દાઝી ગયેલા રાજસ્થાન ડુંગરપુરના આઠેય કર્મચારીઓ સારવાર હેઠળ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરના કાલાવડ રોડ પર વીવીપી એન્જિનીયરીંગ કોલેજ નજીક વિરડા વાજડીમાં ભાડાની રૂમમાં રહેતાં અને હોટેલમાં વેઇટર, સર્વિસ સ્ટાફ તેમજ કેટરર્સ તરીકે કામ કરતાં મુળ રાજસ્થાન ડુંગરપુરના વણઝારા પરિવારોના ૮ કર્મચારીઓ દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આગ શોર્ટ સરકિટથી લાગ્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. આમ છતાં પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. નાનકડી રૂમમાં ૮ લોકો હોઇ અને આગે મોટુ સ્વરૂપ પકડી લીધું હોઇ દરવાજો ખોલવામાં સમય લાગી જતાં આઠમાંથી ત્રણેક જણા વધુ દાઝી ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ રોડ પર આવેલી એન્જિનીયરીંગ કોલેજ પાછળ વિરડા વાજડીમાં એક રૂમમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતાં અંદર ઉંઘી રહેલા મુળ રાજસ્થાન ડુંગરપુરના હિતેષકુમાર તુલસીરામ લબાના-નાયક (વણઝારા) (ઉ.વ.૨૭), લક્ષમણ અંબાલાલ લબાના (ઉ.વ.૪૦), દિપક પ્રકાશભાઇ લબાના (ઉ.વ.૧૯), ચિરાગ અંબાલાલ લબાના-નાયક (ઉ.વ.૧૮), લોકેશ રાજુભાઇ લબાના (ઉ.વ.૨૦), રાજુભાઇ કુરીયાજી લબાના (ઉ.વ.૫૬), શાંતિલાલ બાવરચંદજી લબાના (ઉ.વ.૫૨) અને દેવીલાલ વિક્રમજી લબાના (ઉ.વ.૨૨) દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ તાલુકા પોલીસમાં નોંધ કરાવી હતી. દાઝેલા પૈકી ત્રણેક કર્મચારીઓ વધુ ગંભીર રીતે દાઝયાનું જણાવાયું છે.

દાઝી ગયેલા આ તમામે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે અમે બધા અલગ અલગ હોટેલ, રિસોર્ટમાં અને કેટરર્સમાં તેમજ જ્યાં ફંકશન હોય તે હોટેલ-રિસોર્ટમાં  રોજમદાર તરીકે વેઇટર્સ, ઇવેન્ટ સર્વિસમાં કામ કરીએ છીએ. અમુક પાંચ છ વર્ષથી અહિ રહે છે અને અમુક થોડા મહિનાઓ કે વર્ષ પહેલા અહિ કામ કરવા આવ્યા છે.  દાઝી ગયેલા આ લોકોએ કહ્યું હતું કે નાનકડી રૂમમાં જ બધા એક સાથે સુતા હતાં. બધા વહેલી સવારે ભરઉંઘમાં હતાં ત્યારે અચાનક ધડાકો થયો હતો અને આગ લાગી ગઇ હતી.

દરવાજો ખુલતો ન હોઇ દેકારો મચાવી દરવાજા પર લાતો ફટકારી હતી એ વખતે નજીકની બીજી રૂમોમાં રહેતાં લોકો અને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતાં અને તેણે પણ દરવાજાને લાતો મારી તોડીને બધાને બહાર કાઢ્યા હતાં. આગને કારણે લોખંડનો દરવાજો જકડાઇ જવાથી ખુલતો ન હોવાનું જણાયું હતું. જો કે એકાદ બે જણાએ એવું પણ કહ્યું હતું કે કોઇએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. જો કે પોલીસે તપાસ કરતાં દરવાજો અંદરથી જ બંધ હોઇ અને આગ રૂમમાં ફેલાઇ ગઇ હોઇ તેના કારણે લોખંડનો દરવાજો ખુલી ન શકતાં બધા અંદર વધુ સમય ફસાઇ રહેવાને કારણે દાઝી ગયા હોઇ શકે. હાલ તો ઘટના આકસ્મિક જ હોવાનું જણાઇ આવ્યું છે.

પોલીસનું પ્રાથમિક તારણ એવું પણ છે કે નાનકડી ઓરડીમાં શોર્ટ સરકિટ થવાથી આગ ભભૂકી હોઇ શકે છે. અંદર કપડા, ગાદલા પણ પડ્યા હોઇ તેના કારણે આગ વધુ ફેલાઇ ગઇ હશે. અથવા તો ચાર પાંચ મોબાઇલ એક સાથે ચાર્જમાં રાખ્યા હોઇ તેમાં શોર્ટ સરકિટ થતાં કે મોબાઇલની બેટરી ફાટવાથી આગ લાગ્યાની પણ શકયતા નકારી શકાતી નથી. આમ છતાં એફએસએલની મદદ લઇ આગ કઇ રીતે લાગી તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, અરજણભાઇ ઓડેદરા, ભરતભાઇ વનાણી, મોહસીન ખાન, વિજયગીરી, રમેશભાઇ ચોૈહાણ સહિતનો સ્ટાફ હોસ્પિટલે અને ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી કરી હતી. પીઆઇશ્રી જે. વી. ધોળાના કહેવાના મુજબ પ્રાથમિક તપાસમાં ઘટના આકસ્મિક એટલે કે શોર્ટ સરકિટથી લાગી હોવાનું જણાઇ આવે છે. છતાં એફએસએલને સાથે રાખી વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. (૧૪.૬)

૧૦*૧૦ની ઓરડીની ઉપર પણ એક પતરાવાળી રૂમઃ દાઝેલામાંથી અમુકે કહ્યું કે ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી દેવાયો હતો

. ઓરડીમાં ભભૂકેલી આગમાં દાઝેલા તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં બર્ન્સ વોર્ડમાં તબિબો-નર્સિંગ સ્ટાફે ત્વરીત સારવાર ચાલુ કરી દીધી હતી. દાઝેલા પૈકીના અમુકે એવું કહ્યું હતું કે અમે ઉંઘી રહ્યા હતાં અને અચાનક ભડકો થતાં બધા લપેટાઇ ગયા હતાં અને દેકારો મચાવ્યો હતો. અમે ઉભા થઇ બહાર જવા દરવાજો ખેંચીને ખોલવા પ્રયાસ કર્યો હતો. પણ ખુલ્યો નહોતો. દરવાજો કોઇએ બહારથી બંધ કરી દીધો હોય તેવું લાગતાં અમે લાતો ફટકારી હતી અને બૂમાબૂમ કરી મુકી હતી. એ પછી નજીકની બીજી ઓરડીઓમાં રહેતાં લોકો દોડી આવ્યા હતાં અને તેણે દરવાજો ખોલ્યો હતો. જો કે બહારથી દરવાજો બંધ હોવાનું સ્થળ તપાસ પર પહોંચેલી પોલીસને જણાયું નથી.

(2:57 pm IST)