Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપવાનું શરૂ કરી દીધું: બેંગલુરૂમાં એક સપ્તાહમાં ૩૦૦ બાળકો પોઝીટીવ

પંજાબ-હરિયાણા સ્કુલોમાં પણ છાત્રો ઝપટમાં આવી જતા ચિંતા

બેંગલુરૂ, તા. ૧ર : દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ પુરી રીતે ખતમ થયો નથી. કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ નથી ત્યારે ત્રીજી લહેરે દસ્તક આપવાનું શરૂ કરી દીધુ છે. દેશના કેટલાક રાજ્યમાં એક તરફ જ્યા પ્રતિબંધ ખોલવાનું ચાલુ છે તો કેટલીક જગ્યાએ નવા કેસે ચિંતા વધારી દીધી છે.

સૌથી મહત્વની વાત એ છે કે હવે સ્કૂલ ખુલી જવાને કારણે બાળકો પર ખતરો મંડરાઇ રહ્યો છે, કર્ણાટકના બેંગલુરૂમાં આવા જ પરિણામ સામે આવ્યા છે.

કોરોના વાયરસના કેસ ઓછા થયા બાદ કેટલીક જગ્યાએ સ્કૂલ-કોલેજને ખોલવામાં આવી છે. કર્ણાટકના બેંગલુરૂમાં પણ આવુ જ થયુ છે પરંતુ તાજેતરના આંકડામાં જે તથ્ય સામે આવ્યુ છે તે ચોકાવનારૂ છે. અહી આશરે ૬ દિવસમાં ૩૦૦થી વધારે બાળક કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

બેંગલુરૂ જેવા મોટા શહેરમાં આ આંકડો રાજ્યમાં સૌથી ઝડપથી વધી રહ્યો છે. બેંગલુરૂ તંત્ર દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તેમાં ૦થી ૯ વર્ષના આશરે ૧૨૭ અને ૧૦થી ૧૯ વર્ષના આશરે ૧૭૪ બાળક કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ આંકડા પાંચ ઓગસ્ટથી દસ ઓગસ્ટ વચ્ચેના છે.

કર્ણાટકથી અલગ ઉત્તર ભારતની વાત કરીએ તો અહી પણ સ્કૂલ કોલેજ ખોલવામાં આવ્યા બાદ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં આશરે ૬૨ વિદ્યાર્થી કોવિડની ઝપટમાં આવ્યા છે, પંજાબમાં પણ ૨૭ સ્કૂલના બાળક કોરોના પોઝિટિવ થયા છે. હરિયાણાની સ્કૂલમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.

સ્કૂલમાં સતત આવી રહેલા કોરોનાના કેસને કારણે સરકાર એક વખત ફરી ચિંતામાં મુકાઇ છે. હવે હિમાચલ પ્રદેશે ૨૨ ઓગસ્ટ સુધી સ્કૂલને બંધ કરવાની વાત કરી છે. પંજાબ તરફથી સ્કૂલમાં કડક વલણ અપનાવવાની તૈયારી છે. મહત્વપૂર્ણ છે કે હરિયાણામાં ૯માં ધોરણથી ૧૨માં ધોરણ સુધીની સ્કૂલ જુલાઇથી ખોલવામાં આવી હતી જ્યારે પંજાબે ઓગસ્ટની શરૂઆતમાં સ્કૂલ ખોલી હતી. હરિયાણાએ પણ ૨ ઓગસ્ટથી ૯-૧૨ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાના શરૂ કર્યા હતા.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા વારંવાર કહેવામાં આવ્યુ છે કે હજુ બીજી લહેર પુરી રીતે પૂર્ણ થઇ નથી. એવામાં રાજ્ય સરકારોએ સાવચેત રહેવુ જોઇએ. દેશમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ સહિત અન્ય જગ્યાઓ પર સતત કેસ વધવાના સમાચાર આવી રહ્યા છે. ભારતમાં હજુ પણ આશરે ચાર લાખ કોરોનાના એકિટવ કેસ છે.

(1:37 pm IST)