Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમારા નેતાઓને જેલમાં બંધ કર્યા ત્યારે પણ ડર્યા ન હતા અને ટિવટર એકાઉન્ટ બંધ કરવાથી શું ખાક ડરીશું : કોંગ્રેસનો આક્રોશ

અમે લડીશુ... લડતા રહીશુ : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. ૧રઃ  ટ્વિટર અને કોંગ્રેસ વચ્ચે ટકરાવ સતત વધી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના એકાઉન્ટ બાદ હવે કોંગ્રેસ પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ પણ લૉક થઇ ગયુ છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તેમનું ટ્વિટર એકાઉન્ટ લૉક કરી દેવામાં આવ્યુ છે પરંતુ અમે પોતાની લડાઇ ચાલુ રાખીશુ.

કોંગ્રેસ દ્વારા ફેસબુક પર તેની જાણકારી આપવામાં આવી છે. કોંગ્રેસે લખ્યુ છે કે જ્યારે આપણા નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા, અમે ત્યારે નહતા ડર્યા તો હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાથી શું ખાક ડરીશુ. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું.

કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ કે જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો આ ગુનો અમે ૧૦૦ વખત કરીશું, જય હિન્દ, સત્યમેવ જયતે.

મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં એક નવ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને પછી હત્યાના કેસ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીર રાહુલ ગાંધીએ ટ્વિટર પર શેર કરી હતી. તે બાદ રાહુલ ગાંધીનું એકાઉન્ટ પહેલા સસ્પેન્ડ થયુ હતુ અને બાદમાં લૉક કરી દેવામાં આવ્યુ હતું.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓના પણ એકાઉન્ટ લૉક કરવામાં આવ્યા હતા, જેમાં રણદીપ સુરજેવાલા, અજય માકન, સુષ્મિતા દેવ સહિત અન્ય કેટલાક નેતાના નામ સામેલ છે.

કોંગ્રેસ દ્વારા આ મામલે સતત સરકારને ઘેરવામાં આવી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકારના દબાણમાં ટ્વિટર દ્વારા આ રીતનું એકશન લેવામાં આવ્યુ છે. ગત દિવસોમાં યૂથ કોંગ્રેસે પણ દિલ્હીમાં ટ્વિટરના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

(1:36 pm IST)