Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલન : 10 મૃતદેહો મળ્યા: 14 લોકોને બચાવાયા : રાહત કામગીરી ચાલુ

ભૂસ્ખલનમાં એક બસ, એક ટ્રક તથા કેટલીક નાની ગાડીઓ દબાઈ ગયા હોવાની આશંકા

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં એક હાઈવે પર ભૂસ્ખલન થયું છે જેમાં અનેક લોકો દબાયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

રિકાંગ પિયો-શિમલા હાઈવે પર થયેલા ભૂસ્ખલનમાં એક બસ, એક ટ્રક તથા કેટલીક નાની ગાડીઓ દબાઈ ગયા હોવાની આશંકા છે.

નુગલુસારી વિસ્તારમાં દુર્ઘટનાસ્થળથી અત્યાર સુધી દસ મૃતદેહો મળ્યા છે અને 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

અર્ધસૈનિકદળ આઈટીબીપીએ જણાવ્યું છે કે તેમની ટીમ બચાવકાર્ય માટે ઘટનાસ્થળ પહોંચી રહી છે.

હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે કહ્યું, " ભૂસ્ખલનમાં દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો ચાલુ છે. પ્રભાવિત લોકોને શક્ય એટલી મદદ આપવામાં આવશે."

હિમાચલ રોડવેઝની બસ મુંરગથી હરિદ્વાર જઈ રહી હતી. ઘટનાસ્થળ પર જિલ્લા પ્રશાસનની ટીમ પહોંચેલી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો વાહનોમાં સવાર હતા.

રાજયના આપાત ઑપરેશન સેન્ટરે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 25-30 લોકોના દબાયેલા હોવાની આશંકા છે.સ્થાનિક પ્રશાસન મુજબ આ ઘટના લગભગ બપોરે 12થી 12.30 ની વચ્ચે બની છે.

પ્રશાસને જણાવ્યું કે દુર્ઘટનાની સૂચના મળતાની સાથે જ રાહત અને બચાવકાર્ય માટે એક ટીમ રવાના કરવામાં આવી હતી.

સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે અત્યાર સુધી ઘટનાસ્થળ પર પથ્થર સતત પડી રહ્યા છે જેનાથી રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં પોલીસ અને પ્રશાસનને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

Attachments area

(8:31 pm IST)