Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

રાહુલ ગાંધીએ પોલીસીનો ભંગ કર્યાનો ટ્વીટરનો દાવો

રાહુલ ગાંધીએ દુષ્કર્મ મામલે માતા-પિતાનો ફોટો વાયરલ કર્યો હતો : બાળકીના માતા પિતાની ઓળખ જાહેર કરવા બદલ એક સામાજિક કાર્યકરે કેસ દાખલ કરવા માટે માગ કરી છે

નવી દિલ્હી, તા.૧૧ : દિલ્હીના કેન્ટ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર બાળકીના માતા પિતાનો ફોટો વાયરલ કર્યો હતો. આ સંદર્ભમાં આજે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરે દિલ્હી  હાઈકોર્ટને જાણકારી આપી હતી કે, રાહુલ ગાંધીએ અમારી પોલિસીનો પણ ભંગ કર્યો હતો. ટ્વિટરે રાહુલ ગાંધી દ્વારા પોસ્ટ કરાયેલી તસ્વીર ડિલિટ કરવાનો અને તેની સાથે સાથે તેમનુ એકાઉન્ટ બંધ કરવાનો પણ દાવો કર્યો હતો.

ટ્વિટર તરફથી કોર્ટ સમક્ષ હાજર રહેલા અધિકારીએ કહ્યુ હતુ કે, અમે રાહુલ ગાંધીનુ એ ટ્વિટ હટાવી દીધુ છે. કારણકે આ અમારી નીતિની પણ વિરુધ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, બાળકીના માતા પિતાની ઓળખ જાહેર કરવા બદલ એક સામાજીક કાર્યકરે રાહુલ ગાંધી સામે પોક્સો એકટ હેઠળ કેસ દાખલ કરવા માટે માંગ કરી છે. આ સંદર્ભમાં હાઈકોર્ટ સમક્ષ થયેલી પિટિશનની આજે સુનાવણી કરવામાં આવી હતી.

સામાજીક કાર્યકરે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ બાળકીના પરિવારજનોની ઓળખ જાહેર કરીને પોક્સો એકટ તેમજ બાળ અધિકાર કાયદાનો પણ ભંગ કર્યો છે. તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને દિલ્હી પોલીસ તેમની સામે એફઆઈઆર દાખલ કરે. જો રાજકીય લાભ મેળવવા માટે રાહુલ ગાંધીએ બાળકીના પરિવારજનોની ઓળખ જાહેર કરી હોય તો આ બહુ જ અયોગ્ય છે. તેનાથી પરિવારનુ દર્દ વધી ગયુ છે.

(7:47 pm IST)