Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ભારત-સાઉદીઅરબ નૌ સેનાનો પ્રથમ વખત યુદ્ધાભ્યાસ

ભારત-સાઉદી અરબસંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી વધારવા ઈચ્છુક : આ કવાયતને અલ મોહેદ અલ હિન્દી નામ અપાયું પાકિસ્તાન અત્યાર સુધી સાઉદી અરબની નજીક રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૧ : ભારતીય નૌ સેના અને ગલ્ફના સૌથી શક્તિશાળી દેશ મનાતા સાઉદી અરબની નૌસેના વચ્ચે પહેલી વખત યુધ્ધઅભ્યાસ થવા જઈ રહ્યો છે.

બંને દેશ વચ્ચેના આર્થિક સબંધોનો વ્યાપ વિસ્તરી રહ્યો છે ત્યારે હવે સંરક્ષણ ક્ષેત્રે પણ બંને દેશો ભાગીદારી વધારવા માટે ઈચ્છુક છે તેવો સંદેશ આ યુધ્ધાભ્યાસથી દુનિયાને જશે. જેના પગલે પાકિસ્તાની સરકારનુ ટેન્શન વધશે તે નિશ્ચિત છે.

લશ્કરી રીતે પાકિસ્તાન અત્યાર સુધી સાઉદી અરબની નજીક રહ્યુ છે.ભારત અને સાઉદી અરબ વચ્ચેની આ કવાયતને અલ મોહેદ અલ હિન્દી નામ આપવામાં આવ્યુ છે. તેમાં ભાગ લેવા માટે ભારતીય નૌસેનાનુ શક્તિશાળી યુધ્ધ જહાજ આઈએનએસ કોચિ સાઉદી અરબ પહોંચી ચુકયુ છે. આ જહાજે તાજેતરમાં જ યુએઈની સેના સાથે અબુધાબીના દરિયામાં યુધ્ધાભ્યાસ કર્યો હતો.

હવે ભારત અને સાઉદીના યુધ્ધ જહાજો વચ્ચે દરિયામાં બુધવારથી અભ્યાસ શરૂ થશે. આ પહેલા ભારતીય યુધ્ધ જહાજનુ સાઉદી નૌસેના દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગલ્ફના દરિયામાં તનાવ વચ્ચે યોજાનારા આ અભ્યાસ પર બધાની નજર છે. આ પહેલા ઓમાનના દરિયા કિનાર નજીક એક ડ્રોન દ્વારા એક ટેક્નર પર હુમલો કરાયો હતો અને ટેક્નર ઈઝરાયેલી કંપનીનુ હતુ. જેમાં બે નાગરિકોના મોત થયા હતા. આ હુમલામાં ઈરાનનો હાથ હોવાની અટકળો થઈ હતી. ભારત અને સાઉદી અરબ વચ્ચે રક્ષા સબંધો મજબૂત થઈ રહ્યા છે. આ પહેલા ભારતીય સેના પ્રમુખ જનરલ નરવણેએ સાઉદીની મુલાકાત લીધી હતી. ભારતના આર્મી ચીફ સાઉદી અરબ પહેલી વખત પહોંચ્યા હતા અને તેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો.

(7:47 pm IST)