Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

OBC પર સંવિધાન સંશોધનથી ભાજપને શું થઇ શકે ફાયદો? યુપી ચૂંટણી સાથે કનેક્શન? :કેવી થશે અસર

યુપીમાં જાટ પણ પછાત વર્ગમાં આવે જ્યારે હરિયાણામાં તે પછાત વર્ગમાં નથી.:હરિયાણા ભાજપ સરકાર જાટો ખેડૂતોને ખુશ કરવા માટે તેને ઓબીસી લિસ્ટમાં નાખી શકે

નવી દિલ્હી :  કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વીરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી આરક્ષણ સાથે જોડાયેલુ 127મુ સંવિધાન સંશોધન બિલ રજૂ કર્યુ હતુ જેને સદને 10 ઓગસ્ટ 2021માં 385 મતથી પસાર કરી દીધુ. વિપક્ષી કોંગ્રેસ સહિત તમામ દળોએ આ બિલનું સમર્થન કર્યુ હતુ. હવે આ બિલ રાજ્યસભામાં પસાર થઇને રાષ્ટ્રપતિ પાસે જશે.

127મું સંવિધાન સંશોધન બિલ સંવિધાનની કલમ 342Aના ખંડ 1 અને 2માં સંશોધન કરશે અને એક નવો ખંડ 3 પણ જોડશે. આ સિવાય આ બિલ સંવિધાનની કલમ 366 (26C) અને 338B (9)માં પણ સંશોધન કરી શકશે. 127મા સંશોધન વિધેયકને આ સ્પષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ની રાજ્ય સૂચી બનાવવા માટે સ્વતંત્ર હશે.

 

કલમ 366 (26C) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને પરિભાષિત કરે છે, જ્યારે 338B રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સંરચના, કર્તવ્યો અને તેની શક્તિઓ સાથે સબંધિત છે. આર્ટિકલ 342A રાષ્ટ્રપતિની શક્તિઓ, જેના અનુસાર રાષ્ટ્રપતિ કોઇ વિશેષ જાતિને SECBના રૂપમાં નોટિફાઇ કરી શકે છે અને ઓબીસી લિસ્ટમાં પરિવર્તન કરવાની સંસદની શક્તિઓ સાથે સબંધિત છે.

 

વર્ષ 2018માં પસાર 102માં સંવિધાન સંશોધન દ્વારા સંવિધાનમાં કલમ 342A,338B અને 366 (26C)ને જોડવામાં આવ્યા હતા. આ વર્ષે 5 મેએ સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને અલગથી પાંચ ટકા આરક્ષણ આપવાનો નિર્ણય ફગાવી દીધો હતો અને કહ્યુ હતુ કે 102માં સંવિધાન સંશોધન હેઠળ માત્ર કેન્દ્ર સરકાર જ કોઇ જાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં જોડી શકે છે. સુપ્રીમ કોર્ટની આ વાખ્યાથી પછાત વર્ગની ઓળખ અને તેમણે આરક્ષણ આપવા મામલે રાજ્યોના અધિકાર ખતમ કરી નાખ્યા હતા. કેન્દ્ર સરકાર નવુ સંવિધાન સંશોધન બિલ લાવી છે જેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી શકાય.

 

આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પછાત જાતિની સંખ્યા વધારે છે. યુપીમાં જાટ પણ પછાત વર્ગમાં આવે છે જ્યારે હરિયાણામાં તે પછાત વર્ગમાં નથી. એવામાં હરિયાણાની ભાજપ સરકાર જાટો ખાસ કરીને ખેડૂતોને ખુશ કરવા માટે તેને ઓબીસી લિસ્ટમાં નાખી શકે છે. કારણ કે અત્યારે હરિયાણામાં ખેડૂત આંદોલનને કારણે ભાજપની સ્થિતિ ખરાબ છે. અન્ય રાજ્યોમાં જ્યા ભાજપની સરકાર છે, ત્યા કેટલીક જાતિઓને લાભ અપાવવા માટે ઓબીસી લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. જેનાથી અતિ પછાત વર્ગનો વોટ ભાજપને મળવાની શક્યતા છે.

(6:40 pm IST)