Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કેન્દ્રએ રાજયોને OBCની યાદી બનાવવાની સત્તા આપી દેતા ગુજરાત સરકાર ભીંસમાં મૂકાઇ

OBCમાં પટેલ, બ્રાહ્મણ, રાજપૂતમાંથી કોને સમાવવા? સરકારની મીઠી મુંઝવણ

સરકાર એકને સાચવવા જાય તો બીજાને ખોટું લાગી જાય તેવી સ્થિતિઃ ૨૦૧૭ની ચૂંટણીમાં જે થયું હતું શું તેનું ૨૦૨૨માં પુનરાવર્તન થશે? : ૨૦૧૭માં અનામત આંદોલનને કારણે જ ભાજપને ચૂંટણીમાં માંડ ૯૯ બેઠકો મળી શકી હતી : ચૂંટણી અગાઉ વિવિધ સમાજો હવે ફરી અનામત માટે સરકાર પર પ્રેશર વધારવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા.૧૧: કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્ત્।ા હવે રાજય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે ખાસ સમય નથી રહ્યો તેવામાં કઈ જ્ઞાતિને ઓબીસીનું સ્ટેટસ આપવું તેને લઈને રૂપાણી સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં થયેલી ચૂંટણી વખતે જ શરુ થયેલા પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને જોરદાર ફટકો પડ્યો હતો. પક્ષ તે વખતે માત્ર ૯૯ બેઠકો જીતી શકયો હતો, અને સામે પક્ષે કોંગ્રેસને જોરદાર ફાયદો થયો હતો.

માત્ર પાટીદાર આંદોલન જ નહીં, ગુજરાતમાં અન્ય જ્ઞાતિઓ પણ પોતાને ઓબીસીમાં સમાવવામાં આવે તેવી માગણી કરીને સરકાર પર પ્રેશર વધારી રહી છે. ભાજપને હાલ એ વાતની ચિંતા સતાવી રહી છે કે આ કારણે ૨૦૨૨માં થનારી ચૂંટણીમાં તેને અસર પડી શકે છે. ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકારે ખરડો પસાર કરતાં જ ગુજરાતમાં તમામ ઓબીસી જ્ઞાતિઓનો નવેસરથી સરવે કરવાની સાથે જનરલ કેટેગરીમાં આવતી પછાત જ્ઞાતિઓને ઓબીસીનું સ્ટેટસ આપવાની માગ સરકાર સમક્ષ મૂકી દીધી છે. બીજી તરફ, પાટીદારો, બ્રાહ્મ ણો, રાજપૂતો અને વણીકો પણ ૨૦૧૫દ્મક પોતાને ઓબીસીમાં સમાવવાની માગ કરી રહ્યા છે. હવે નવા ડેવલપમેન્ટ બાદ તેઓ પણ ફરી સક્રિય બને તેવા પૂરા અણસાર છે.

ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જ્ઞાતિ આંદોલનનોની અસર હેઠળ લડાઈ હતી, જેમાં ભાજપને ૧૫૦ના ટાર્ગેટ સામે માત્ર ૯૯ બેઠકો મળી હતી, જયારે કોંગ્રેસના ફાળે ૭૭ બેઠકો આવી હતી. રાજકીય વિશ્લેષક દિનેશ શુકલાનું માનીએ તો, ૨૦૧૭માં પાટીદાર અને અન્ય જ્ઞાતિઓના આંદોલનોને કારણે ભાજપને દ્યણું નુકસાન ભોગવવું પડ્યું હતું. હવે રાજય સરકારને ઓબીસીની યાદી બનાવવાની સત્તા મળી જતાં સરકાર સામે ૨૦૧૭ જેવી જ સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. જો સરકાર નવી જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવશે તો હાલ જે જ્ઞાતિઓ અનામતનો લાભ મેળવી રહી છે તેની નારાજગી તેને વ્હોરવી પડશે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. હાર્દિકે પાટીદાર, બ્રાહ્મણ, વણીક સહિતની જનરલ જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવાય તેવી માગ સાથે સમગ્ર રાજયમાં સરવે કરાવવા માટેની વાત કરી છે. જેમાં હાલ ઓબીસીમાં સામેલ ૧૪૮ જ્ઞાતિઓનો ફેરસરવે કરવાની માગ પણ સામેલ છે. હાર્દિકનું કહેવું છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં ઓબીસીમાં સામેલ અનેક જ્ઞાતિઓ આગળ આવી છે, જેમને હવે અનામતની જરુર નથી. ભાજપ આ અંગે પોતાના ઈરાદા સ્પષ્ટ રીતે રજૂ કરે તે જરુરી છે. હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો છે કે જનરલ કેટેગરીને અપાયેલું ૧૦ ટકા EBC અનામત પણ યોગ્ય રીતે લાગુ કરવામાં નથી આવ્યું. EBCમાં આવતા યુવાનોને ૧૦૦ કરોડ રુપિયાની મદદ કરવાની વાતો પણ માત્ર કાગળ પર જ રહી છે. રાજયનું EBC વેલફેર કોર્પોરેશન પણ મસ્તક વિહોણું છે.

ભાજપના ગુજરાતના પ્રમુખ સી.આર. પાટીલે આ મામલે જણાવ્યું હતું કે દરેક વર્ગને સરકાર સમક્ષ પોતાની માગ મૂકવાનો હક્ક છે. કોઈ જ્ઞાતિને ઓબીસીમાં મૂકવી કે નહીં તેનો આખરી નિર્ણય સરકાર યોગ્ય કાર્યવાહીના અંતે લેશે. આ સમયે સંગઠનમાં આ બાબતને લઈને કોઈ અલગ દ્રષ્ટિકોણ નથી. શું સરકાર ચૂંટણી પહેલા પાટીદારો તેમજ અન્ય સવર્ણ જ્ઞાતિઓને અનામત આપવાની જાહેરાત કરશે કે કેમ તે સવાલનો જવાબ આપતા પાટીલે જણાવ્યું હતું કે, તેના માટે આંદોલન પણ થયું હતું જે નિષ્ફળ રહ્યું. સરકારે તમામ જ્ઞાતિઓની તમામ સમસ્યા પર ધ્યાન આપ્યું છે, અને ભવિષ્યમાં પણ આપતી રહેશે. જોકે, હાલ પક્ષના આ અંગે વ્યકત કરવા માટેના કોઈ વિચાર નથી.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ મામલે સીધો જવાબ આપવાનું ટાળતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા બિલનો અભ્યાસ કરવાનો હજુ બાકી છે. તે પહેલા તેના પર કોઈ કોમેન્ટ કરવી શકય નથી. સરકાર કાયદાને આધિન રહીને જે કંઈ કરવાનું હશે તે કરશે. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગમાં પૂર્વ એડિશનલ સેક્રેટરી રહી ચૂકેલા અને અનામતને લગતી બાબતોના નિષ્ણાંત કે.જી. વણઝારાનું માનીએ તો, રાજયો પાસે પહેલાથી જ પોતાનું ઓબીસી લિસ્ટ નક્કી કરવાની સત્તા છે, જયારે કેન્દ્ર સરકારની તેની પોતાની યોજનાઓ અને કાર્યક્રમો માટે અલગથી યાદી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

(3:41 pm IST)