Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા

હાલમાં રાષ્ટ્રીય સ્તરે NRC લાગુ કરવાનો નિર્ણય નથી લેવાયો

કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે લેખિત જવાબ આપ્યો

નવી દિલ્હી, તા.૧૧: કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે મંગળવારના રોજ જણાવ્યું કે સરકારે રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી) તૈયાર કરવાનો કોઈ નિર્ણય હાલમાં લીધો નથી. જો કે તેમણે જણાવ્યું કે સરકારે વસતીગણતરી ૨૦૨૧ના પ્રથમ તબક્કા સાથે નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ અંતર્ગત રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(એનપીઆર)ને અપટેડ કરવાનો નિર્ણય ચોક્કસપણે લીધો છે.

લોકસભામાં એક લેખિત જવાબમાં નિત્યાનંદ રાયે જણાવ્યું કે, હજી સુધી સરકારે રાષ્ટ્રીય સ્તર પર ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર તૈયાર કરવા બાબતે કોઈ નિર્ણય નથી લીધો. અત્યાર સુધી માત્ર અસમમાં એનઆરસી અપડેટ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૯માં એનઆરસીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી અને ૩.૩ કરોડ અરજીઓમાંથી ૧૯.૦૬ લાખ લોકોને યાદીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ત્યારપછી આખા રાજયમાં હોબાળો મચી ગયો હતો.

એક અન્ય પ્રશ્નના ઉત્ત્।રમાં રાયે જણાવ્યું કે અસમમાં એનઆરસી તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન જો કોઈ વ્યકિત નિર્ણયથી સંતુષ્ટ ના હોય તો તે આદેશના ૧૨૦ દિવસની અંદર ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. અસમમાં એનઆરસીની યાદીમાંથી બહાર કરવામાં આવેલા લોકો માટે શકય હોય તે તમામ કાયદાકીય સહાય ઉપલબ્ધ છે, માટે આ સ્થિતિમાં તેમની રાષ્ટ્રીયતાનું પ્રમાણીકરણ કરવાનો પ્રશ્ન ઉભો નથી થતો. એનપીઆરનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકારે વસતી ગણતરી ૨૦૨૧ના પ્રથમ તબક્કા સાથે તેને અપડેટ કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, એનપીઆર અપડેશનની પ્રક્રિયા દરમિયાન પ્રત્યેક પરિવાર અને વ્યકિતની માહિતી એકત્રિત કરવામાં આવશે. જો કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ દસ્તાવેજ એકત્ર કરવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે, કોરોનાના કારણે એનપીઆરના અપડેશન અને અન્ય સંબંધિત પ્રવૃત્ત્િ।ઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન અધિનિયમ ૨૦૧૯નો ઉદ્દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના તે હિન્દુ, શિખ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી ધર્મના પ્રવાસીઓને નાગરિકતા આપવાનો છે, જેમણે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ અથવા તે પહેલા ભારતમાં પ્રવેશ કર્યો છે.

(3:39 pm IST)