Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત

સંસદનું સત્ર ૧૩ ઓગસ્ટે પૂરૂ થવાનું હતું પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત

નવી દિલ્હી, તા.૧૧: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ જયારથી સત્ર શરૂ થયું છે, ત્યારથી સંસદમાં દરરોજ હંગામો જોવા મળી રહ્યો છે. વિપક્ષ પેગાસસ જાસૂસી, મોંઘવારી અને કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યું છે. ૧૯ જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર ૧૩ ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્યિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભામાં મંગળવારે ઓબીસી સંશોધન બિલ પાસ થયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.

જયારથી સત્ર શરૂ થયું ત્યારથી દરરોજ ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. કામકાજ દરમિયાન અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. મંગળવારે સરકારે ઓબીસી સંશોધન બિલ લોકસભામાંથી પાસ કરાવી લીધું હતું. આ બિલનું વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું હતું. હવે બુધવારે લોકસભાની કાર્યવાહી અનિશ્યિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભાનું આ સત્ર ૧૩ ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, પરંતુ હવે બે દિવસ પહેલા જ લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(3:38 pm IST)